Ahmedabad: જૂહાપુરામાં બહેને ફરિયાદ નોંધાવતા મહિલા સહિત 4 જણાએ ભાઈના ઘરમાં તોડફોડ કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 03 Sep 2023 07:57 PM (IST)Updated: Sun, 03 Sep 2023 07:57 PM (IST)
ahmedabad-news-attack-on-brother-house-and-death-threat-after-sister-compliant

Ahmedabad: અમદાવાદ શહેરના જૂહાપુરા વિસ્તારમાં તલવારો સાથે ધસી આવેલા મહિલા સહિત 4 જણાએ એક ઘર પર હુમલો કરીને તોડફોડ કરવા સાથે ઘરમાં રહેતા સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.

આ અંગે વેજલપુર પોલીસ મથકમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, મરુદ્દીન જાવલિયા (44) નળ સરોવર વસાહત, ફતેવાડી ખાતે પોતાના પરિવાર સાથે રહે છે. તેમની બહેન રુક્શાનાબાનુના લગ્ન મુરાદભાઈ લધાણી (મસ્તાન મસ્જિદ નજીક, ફતેવાડી) સાથે થયા છે.

ગઈકાલે રાતે સાડા 10 વાગ્યાની આસપાસ મરુદ્દીન પોતાના પરિવારના સભ્યો સાથે ઘરે હાજર હતા. આ સયમે તેમની બહે રુક્શાનાબાનુના ફૂવા સસરા અબ્દુલભાઈ કાલિયા, અબ્બાસભાઈ કાલિયા તેમજ તેમની પત્ની મુમતાઝબેન અને ખેતીબેન આવ્યા હતા અને મોટેમોટેથી ગંદી ગાળો બોલતા હતા.

તેઓ હાથમાં તલવાર લઈને આવ્યા હતા અને કહેતા હતા કે, મરુદ્દીન ક્યાં છે, બહાર આવ. કાલે તારી બહેને અમારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે કહીને મારા ઘરના દરવાજા પર ફટકા માર્યા હતા આ સાથે જ બારીના કાચ પણ તોડીને ઘરને નુક્સાન પહોંચાડ્યું હતુ. તેમણે ધમકી આપી હતી કે, આજે ઘરની બહાર નીકળીને બતાવ. તને તથા તારા ઘરના સભ્યોનું કાસળ કાઢીને જાનથી મારી નાંખવાના છીએ.

જેના કારણે ગભરાઈ ગયેલા મરુદ્દીને પોલીને ફોન કરતા પોલીસ કાફલો તેમના ઘરે આવતા ચારેય જણા ફરાર થઈ ગયા હતા. હાલ તો મરુદ્દીને વેજલપુર પોલીસ મથકમાં અબ્દુલ કાલિયા, મુમતાઝ કાલિયા, અબ્બાસ કાલીયા અને ખેતીબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે IPCની કલમ 294 બી, 506 (2), 427, 114 તેમજ GPAની કલમ 135(1) હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.