Ahmedabad: કેનાલ લાઇનિંગ મરામત કામગીરી વચ્ચે AMCની આગોતરી તૈયારી; શહેરમાં પાણી વિતરણ સુચારૂ રાખવા વિશેષ વ્યવસ્થા

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય નહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત કેનાલ લાઇનિંગમાં થયેલ નુકસાનના રીપેરીંગ અને મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 07 May 2026 08:48 AM (IST)Updated: Thu, 07 May 2026 08:48 AM (IST)
ahmedabad-news-amc-water-supply-management-narmada-canal-repairing-work

Ahmedabad News : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય નહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત કેનાલ લાઇનિંગમાં થયેલ નુકસાનના રીપેરીંગ અને મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને 06 મેથી આગામી અંદાજિત 10 દિવસ સુધી નહેરના પાણીના લેવલમાં જરૂરિયાત મુજબ વધઘટ કરવામાં આવશે. જેના કારણે કોતરપુર વોટર વર્ક્સ ખાતે પાણીના જથ્થામાં ઘટાડો થશે અને કોતરપુર વોટર વર્કસમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનું વિતરણ થઈ શકશે નહીં.

શહેરમાં પાણી પુરવઠાને લઈને AMC સજ્જ

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પાણી પુરવઠા પર ન્યૂનતમ અસર થાય તે માટે આગોતરા આયોજન સાથે જરૂરી વ્યવસ્થાઓ અમલમાં મુકવામાં આવી છે. સામાન્ય રીતે કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે દરરોજ અંદાજિત 1100 MLD જેટલું પાણી શુદ્ધ કરી શહેરના પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના આશરે 170 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો સુધી પહોંચાડવામાં આવે છે. હાલની પરિસ્થિતિમાં અંદાજિત 50 થી 60 MLD જેટલી ઘટ થવાની સંભાવના વચ્ચે AMC દ્વારા વિકલ્પરૂપ વ્યવસ્થા વધુ સક્રિય બનાવવામાં આવી છે.

બોરવેલ કાર્યરત કરવામાં આવશે

કોતરપુર ખાતે સામાન્ય રીતે બાય ગ્રેવીટી મળતા પાણીના સ્થાને વોટર વર્ક્સ ખાતે આવેલા રો-વોટર પમ્પ હાઉસમાં 100 ટકા સ્ટેન્ડબાય પમ્પો કાર્યરત કરીને પાણી મેળવવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સાથે સાથે પાણીના વિતરણમાં અંદાજિત 10 થી 15 ટકા જેટલી શક્ય ઘટને પહોંચી વળવા માટે વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો ખાતે આવેલા બોરવેલોને પણ કાર્યરત કરવામાં આવશે.

સિસ્ટમ ઉપર સતત મોનિટરિંગ

આમ, શહેરના નાગરિકોને પાણી પુરવઠાની મુશ્કેલી ઓછીથી ઓછી થાય તે માટે સમગ્ર સિસ્ટમ ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપલબ્ધ જળજથ્થા અનુસાર સંતુલિત પાણી વિતરણ સુનિશ્ચિત કરવામાં આવશે. AMC દ્વારા નાગરિકોને સહકાર આપવા તેમજ પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી છે.