Ahmedabad: શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની સહપાઠી દ્વારા ઘાતકી હત્યા કરવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવી મૂકી હતી. આ ઘટના બાદ સેવન્થ ડે સ્કૂલની જમીન અને મંજૂરીને લઈને ચાલી રહેલા વિવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ મનપા દ્વારા લીઝની શરતોનો ભંગ કરવા બદલ શાળાને ભાડાપટ્ટે આપવામાં આવેલો પ્લોટ પરત લેવા માટે સત્તાવાર કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
25 નવેમ્બરના રોજ મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠકમાં સેવન્થ ડે સ્કૂલને આપવામાં આવેલો પ્લોટ પરત લેવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. TP કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતાએ જણાવ્યું હતું કે, 'સ્કૂલને લીઝની શરતોનો ભંગ કરવા સહિતના વિવિધ મામલે અત્યાર સુધીમાં ત્રણ વાર શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી, તેમ છતાં સ્કૂલના સંચાલકો તરફથી કોઈ સંતોષકારક જવાબ કે જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી.'
આજ રોજ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં સેવન્થ ડે સ્કૂલને લીઝ પર ફાળવવામાં આવેલા પ્લોટ પરત લેવા માટે વાટાઘાટ કરવામાં આવી હતી.
આ મામલે TP કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં સેવન્થ ડે સ્કૂલને લીઝની શરતોનો ભંગ કરવા સહિત વિવિધ મામલે 3 વાર શૉ કોઝ નોટિસ ફટકારવામાં આવી ચૂકી છે. જો કે હજુ સુધી સ્કૂલ સંચાલકો દ્વારા કોઈ સંતોષજનક જવાબ કે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ નથી કરવામાં આવ્યા. અત્યાર સુધી સ્કૂલ તરફથી કોઈ ખુલાસો ના મળતા હવે કોર્પોરેશન સત્તાવાર રીતે કાયદાકીય કાર્યવાહી કરશે.
આગામી એક સપ્તાહમાં મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા સેવન્થ ડે સ્કૂલના સંચાલકોને કોમ્પીટન્ટ ઓફિસર્સ પ્રોસીડિંગ્સ હેઠળ નોટિસ ફટકારવામાં આવશે. અગાઉ 21 નવેમ્બરના રોજ આપવામાં આવેલી છેલ્લી નોટિસમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે, જો સ્કૂલ સત્તાધીશો દ્વારા એસ્ટેટ વિભાગ સમક્ષ કોઈ ખુલાસો કરવામાં નહીં આવે, તો શરતોના ભંગ બદલ પ્લોટની ફાળવણી અને ભાડાપટ્ટાનો કરાર રદ કરવામાં આવશે. સંચાલકોએ આ સમયમર્યાદામાં પણ કોઈ ખુલાસો રજૂ ન કરતાં, કોર્પોરેશને હવે પ્લોટ પરત લેવા માટે પગલાં લેવાનો નિર્ણય લીધો છે.
