Ahmedabad: અમદાવાદ શહેરમાં કિશોરીઓના આરોગ્ય સુરક્ષા અને ગર્ભાશયના કેન્સર જેવા ગંભીર રોગથી બચાવ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશેષ આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત કિશોરીઓમાં HPV રસીકરણ અંગે જાગૃતિ લાવવાની સાથે વધુમાં વધુ લાભાર્થીઓ સુધી નિઃશુલ્ક રસીકરણ પહોંચે તે માટે AMC દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગર્ભાશયના કેન્સરને અટકાવવા સાવચેતીના પગલાંરૂપે AMCના અર્બન હેલ્થ સેન્ટરો તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં 14 વર્ષની ઉંમર પૂર્ણ થઇ ગયેલ છે અને 15નું વર્ષ પૂર્ણ થવાનું બાકી હોય તેવી કિશોરીઓને નિઃશુલ્ક HPV રસીકરણ આપવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત તા. 7 મે, 2026ના રોજ વિશેષ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. AMCની આ ત્રીજી અને અંતિમ મેગા ડ્રાઈવ હેઠળ શહેરની રસી લેવા પાત્ર કિશોરીઓને શહેરના કોઈપણ અર્બન હેલ્થ સેન્ટર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં જઈને નિઃશુલ્ક HPV વેક્સિનનો લાભ લઈ શકશે.
ખાનગી હોસ્પિટલોમાં આ વેક્સિન માટે અંદાજે રૂ. 3000 ઉપરાંત કન્સલ્ટેશનનો ખર્ચ થતો હોય છે, જ્યારે AMC દ્વારા આ સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરાયેલા HPV વેક્સિન અભિયાન અંતર્ગત સર્વાઈકલ કેન્સર સામે જાગૃતિ લાવવા AMC દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ અર્બન હેલ્થ સેન્ટરો અને કોર્પોરેશનની હોસ્પિટલોમાં હોર્ડિંગ્સ, બેનર્સ, સ્ટેન્ડી તથા રેડિયો જિંગલ્સ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા માધ્યમથી ક્રિએટિવ્સ તેમજ વેક્સિન લઈ ચૂકેલી કિશોરીઓના ઇન્ટરવ્યૂ દ્વારા પણ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર અભિયાન હેઠળ AMC દ્વારા કુલ 48,561 કિશોરીઓને HPV રસીકરણ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેમાંથી અત્યાર સુધીમાં 22,137 કિશોરીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તા. 24 એપ્રિલ, 2026ના રોજ યોજાયેલી મેગા ડ્રાઈવમાં 1,933 કિશોરીઓને HPV રસી આપવામાં આવી હતી, જ્યારે તા. 30 એપ્રિલ, 2026ના રોજ યોજાયેલી ડ્રાઈવમાં 2,872 કિશોરીઓએ રસીકરણ કરાવ્યું હતું.
ગુજરાતભરમાં યોજાયેલા આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 5,62,324 કિશોરીઓને રસીકરણનો લાભ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેમાંથી અત્યાર સુધીમાં 5,06,100 કિશોરીઓને રસી આપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
આ અભિયાનને વધુ અસરકારક બનાવવા સ્થાનિક પદાધિકારીઓ અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. ઉપરાંત સરકારી અને ખાનગી શાળાઓ સાથે કિશોરીઓમાં HPV રસીકરણ અંગે જાગૃતિ લાવવા ચર્ચા કરવામાં આવી હતી.
આ વેક્સિન પર વર્ષો સુધી રિસર્ચ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી અનેક દેશોમાં આ રસીને કિશોરીઓને સફળતા પૂર્વક આપવામાં આવી છે. સર્વાઈકલ કેન્સર જેવા ગંભીર રોગથી બચવા માટે HPV રસી સૌથી સુરક્ષિત અને અસરકારક ઉપાય માનવામાં આવે છે. 30મી મે 2026 સુધી ચાલનારા AMCના અભિયાનમાં કોઈ પણ 14થી 15 વર્ષની કિશોરીઓ આ રસીનો લાભ લઇ શકે છે.
