Ahmedabad: અમદાવાદ સહિત ગુજરાતભરની હોટલો અને રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલા ફૂડમાં જીવજંતુ અને વાળ મળવાના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. જે બાદ વહીવટી તંત્ર દ્વારા જે-તે એકમોને નોટિસ ફટકારીને દંડ વસૂલવામાં તેમજ સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એવામાં નવરંગપુરા સ્થિત શિવશક્તિ પી.જી બૉય્ઝ હોસ્ટેલમાં ખરાબ ભોજન પીરસીને છોકરાઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવતા કોર્પોરેશને કિચનને સીલ માર્યું છે.
હકીકતમાં શહેરના નવરંગપુરા વિસ્તારમાં સી.જી. રોડ પર આવેલ શિવશંકર PG બૉય્ઝ હોસ્ટેલમાં મોટી સંખ્યામાં છોકરાઓ રહે છે. હૉસ્ટેલ સંચાલકો દ્વારા તમામ છોકરાઓને જે જમવાનું આપવામાં આવે છે, તે અનહાઈજેનિક હોવાની ફરિયાદો ઉઠી હતી. આ બાબતે છોકરાઓ દ્વારા અવારનવાર હોસ્ટેલના સંચાલકોને રજૂઆત પણ કરવામાં આવી હતી. જો કે કોઈ પગલાં લેવામાં આવ્યા નહતા.
આખરે PG હોસ્ટેલના છોકરાઓ દ્વારા પોતાને આપવામાં આવેલા ફૂડનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ AMCમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.
આ વીડિયોના આધારે ફૂડ વિભાગની ટીમે શિવશંકર પીજી બૉય્ઝ હોસ્ટેલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં કિચનમાં શાકભાજી સડેલા હતા. આ સિવાય જે ખાવાની વસ્તુઓ હતી, તેમાં પણ જીવાત મળી આવી હતી. જ્યારે ફૂડ સેફ્ટીનું લાઈસન્સ માંગવામાં આવ્યું, ત્યારે હોસ્ટેલિના સંચાલકો રજૂ કરી શક્યા નહતા. જેના પગલે ફૂડ વિભાગ દ્વારા રસોડાને સીલ મારીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
