દબાણમુક્ત અમદાવાદ તરફ મોટું પગલું: AMCના એસ્ટેટ વિભાગે 4 મહિનામાં 7 ઝોનમાં ગેરકાયદે દબાણો દૂર કરી રૂ. 2.57 કરોડ વસૂલ્યા

ગેરકાયદેસર પાર્ક કરાયેલા 10,598 વાહનોને દંડ ફટકાર્યા, 25 હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 01 May 2026 06:13 PM (IST)Updated: Fri, 01 May 2026 06:13 PM (IST)
ahmedabad-news-amc-clears-6800-encroachments-massive-anti-encroachment-drive-in-2026
HIGHLIGHTS
  • ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ.82 લાખથી વધુની વસૂલાત

Ahmedabad: અમદાવાદ શહેરને દબાણમુક્ત અને વ્યવસ્થિત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરના માર્ગદર્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણોને હટાવવાની સઘન કાર્યવાહી 1 જાન્યુઆરી 2026થી 25 એપ્રિલ 2026 દરમિયાન સતત કરવામાં આવી છે.

શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો, જાહેર જગ્યાઓ અને ફૂટપાથ પર થયેલા ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા માટે થયેલી કામગીરીને પરિણામે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઇ છે. AMC દ્વારા હાથ ધરાયેલી દબાણ દૂર કરવાની કામગીરી શહેરના શિસ્તબદ્ધ વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.

આ સમયગાળા દરમિયાન કુલ 6887 લારીઓ અને ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લગભગ 25089 ગેરકાયદેસર બોર્ડ, બેનરો અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરી કુલ 10598 વાહનોને દંડિત કરવામાં આવ્યા છે. તેમજ વિવિધ ઝોનમાંથી 49857 અન્ય પરચૂરણ માલ સામાન દૂર કરવામાં આવ્યા છે.

ઝોન પ્રમાણે ઉત્તર ઝોનમાં 1094 લારી-ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા, જયારે દક્ષિણ ઝોનમાં 834, પૂર્વ ઝોનમાં 966, મધ્ય ઝોનમાં 1075, પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1532, ઉત્તર પશ્ચિમમાં 873 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 513 લારીઓ-ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા છે.

ગેરકાયદેસર બોર્ડ, બેનર અને હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરીમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 7911 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. તે સિવાય મધ્ય ઝોનમાં 3443, ઉત્તર ઝોનમાં 3441, પૂર્વ ઝોનમાં 3812, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2892, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1833 અને દક્ષિણ ઝોનમાં 1757 હોર્ડિંગ્સ દૂર કાવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરતા પૂર્વ ઝોનમાં સૌથી વધુ 2867 વાહનોને દંડિત કરવામાં આવ્યા, જયારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1999, પશ્ચિમ ઝોનમાં 1882, મધ્ય ઝોનમાં 1332, ઉત્તર ઝોનમાં 1259, દક્ષિણ ઝોનમાં 831 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 428 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

naidunia_image

તેમજ અન્ય પરચૂરણ માલ સામાનને દૂર કરવાની કામગીરીમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 13349, મધ્ય ઝોનમાં 8878, ઉત્તર ઝોનમાં 7428, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 6765, પૂર્વ ઝોનમાં 6336, દક્ષિણ ઝોનમાં 4258 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2843 વસ્તુઓ દૂર કરવામાં આવી છે.

આ સમગ્ર અભિયાન દરમિયાન AMC દ્વારા કુલ રૂ. 2, 57,26,570ની વસુલાત કરવામાં આવી છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ. 82,28,950, પશ્ચિમ ઝોનમાંથી રૂ. 38,22,000, પૂર્વ ઝોનમાંથી રૂ. 35,01,400, ઉત્તર ઝોનમાંથી રૂ. 31,05,570, દક્ષિણ ઝોનમાંથી રૂ. 24,11,350, મધ્ય ઝોનમાંથી રૂ. 23,11,300 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી રૂ. 23,46,000ની વસુલાત નોંધાઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને દબાણમુક્ત અને વ્યવસ્થિત બનાવવા માટે આવી કામગીરી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને પણ શહેરની સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવા સહયોગ આપવા અનુરોધ કરવામાં આવે છે.