Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર આકાસા એરની ફ્લાઈટનું બે વાર નિષ્ફળ લેન્ડિંગ, ગભરાયેલા મુસાફરો જીવ મુઠ્ઠીમાં રાખીને બેસી રહ્યાં

અમદાવાદ એરપોર્ટના રનવે પર ફ્લાઈટ ટચ ડાઉન થાય તે પહેલા ડામાડોળ થવા લાગતાં પાયલટે હવામાં ખેંચી લીધુ. સતત આવું બે વખત થતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 13 Jan 2026 03:50 PM (IST)Updated: Tue, 13 Jan 2026 03:50 PM (IST)
ahmedabad-news-akasa-air-flight-fail-to-landing-at-airport-due-to-technical-fault

Ahmedabad: અમદાવાદ એરપોર્ટના (Ahmedabad Airport) રનવે પર અકાસા એરની (Akasa Air) ફ્લાઈટે બે વાર લેન્ડિંગનો નિષ્ફળ પ્રયાસ કર્યાં બાદ આખરે વિમાનને જયપુર ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. આ સમયે ફ્લાઈટમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા.

હકીકતમાં 13 જાન્યુઆરીના રોજ અકાસા એરની ફ્લાઈટ નંબર QP 1781 સવારે 8:40 કલાકે મુંબઈથી અમદાવાદ આવવા નીકળી હતી. આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમયે સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. જો કે અધ્ધવચ્ચે ફ્લાઈટમાં ટેક્નીકલ ખામી સર્જાતા વિમાનમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા.

આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમયે લેન્ડિંગ કરવા માટે પાયલટે પ્રયાસ કરી જોયો, પરંતુ રન વેની નજીક ફ્લાઈટ સ્થિર કરવામાં પાયલટને ભારે તકલીફ પડવા લાગી હતી. પાયલોટ દ્વારા કરવામાં આવેલા પ્રથમ પ્રયાસમાં ફ્લાઈટ રનવેની એકદમ નજીક પહોંચી ગયું હતુ, પરંતુ તે જમીનને સ્પર્શે તે પહેલા જ જોખમ જણાતા પાયટલે તેને ફરીથી હવામાં ખેંચી લીધુ હતુ.

થોડીવાર હવામાં ચક્કર માર્યા બાદ પાયલોટે ફરીથી લેન્ડિંગ માટે પ્રયાસ કરી જોયો હતો. જો કે બીજીવાર પણ ફ્લાઈટ રનવેની નજીક જઈને ડામાડોળ થવા લાગતા પાયલટે ફરીથી તેને ઉપર ખેંચી લીધી હતી. આ સમયે ફ્લાઈટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આખરે પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા સુરક્ષા કારણોસર ફ્લાઈટને તાત્કાલિક જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યાં જયપુર એરપોર્ટ પર ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્યારે તો ટેક્નિકલ ખામી પાછળનું કારણ જાણવા માટે એરલાઈન્સ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું માલૂમ પડ્યું છે.