Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટ સાથે સલાહ મસલત બાદ રાજય સરકાર દ્વારા ગુજરાત રાજયમાં નવી 80 ફેમિલી કોર્ટોની સ્થાપના કરવામાં આવી છે. જે આગામી તારીખ 1 જૂન 2024થી કાર્યરત થઈ જશે. આ સાથે જ ગુજરાતમાં હવે કુલ ફેમીલ કોર્ટની સંખ્યા 125 જેટલી થઈ છે. નવી ફેમિલી કોર્ટોની સ્થાપનાની સાથે સાથે નવા જજીસની નિમણુંક પણ કરવામાં આવી છે. તો, સૌથી મહત્ત્વની અને નોંધનીય વાત એ છે કે, નવી ફેમિલી કોર્ટની સ્થાપનાને પગલે રાજયમાં માત્ર જિલ્લા કક્ષાએ જ ફેમિલી કોર્ટની ન્યાયિક સેવા ઉપલબ્ધ હતી, તે હવે રાજયના તાલુકા અને ગ્રામ્ય ખાસ કરીને આંતરિયાળ વિસ્તારમાં પણ ફેમિલી કોર્ટની ન્યાયિક સેવા ઉપલબ્ધ બની છે.
કાયદા વિભાગ દ્વારા અલગ-અલગ જાહેરનામા મારફતે નવી ફેમિલી કોર્ટોની સ્થાપના કરી છે, તેમાં અમદાવાદ જિલ્લાની નવી ફેમિલી કોર્ટો ઉપરાંત બગસરા, સાવરકુંડલા, રાજુલા, બોરસદ, પેટલાદ, ખંભાત, ભિલોડા, બાયડ, દિયોદર, થરાદ, ડીસા, દાંતા, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર, મહુવા, પાલિતાણા, તળાજા, સિહોર, બોટાદ, છોટા ઉદેપુર, લીમખેડા, ઝાલોદ, ઓખા મંડલ, કલ્યાણપુર, ગીર સોમનાથ, ઉના, કોડિનાર, ધ્રોલ, લાલપુર, કાલાવાડ, વિસાવદર, કેશોદ, વંથલી, ભચાઉ, ગાંધીધામ, મુંદ્રા, નખત્રાણા, કપડવંજ, ખેડા, ઠાસરા, ઉંઝા, વિસનગર, કડી, ખેરાલુ, મહિસાગર, હળવદ, નર્મદા, ડેડિયાપાડા, ગરુડેશ્વર, આહવા, ચીખલી, વાંસદા, શેહરા, હાલોલ, રાધનપુર, સમી, પોરબંદર, ધોરાજી, ગોંડલ, જેતપુર, જસદણ, ઈડર, ખેડબ્રહ્મા, માંડવી, બારડોલી, ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા, તાપી, સોનગઢ, નિઝર, સાવલી, ડભોઈ, કરજણ, વલસાડ, ધરમપુર, વાપીમાં પણ હવે નવી ફેમિલી કોર્ટ અસ્તિત્વમાં આવશે. આ નવી ફેમિલી કોર્ટના આસપાસના તાલુકા વિસ્તારોને પણ આવરી લેવાયા છે, કે જેથી આંતરિયાળ વિસ્તારના લોકોને પણ લાભ મળે.