Ahmedabad News: અમદાવાદ જિલ્લાના માંડલના ભડાણા ગામમાં કોઇ અદાવતને લઇને સાત શખ્સો દ્વારા બે ભાઈઓ પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તમે અમને બહુ છરીઓ મારો છો અને ઝગડો કરો છો આજે તમને છોડવાના નથી મારી નાંખવા છે કહીને બન્ને ભાઈ પર લાકડીઓ વડે તૂટી પડ્યાં હતાં. જેમાં બન્ને ભાઈઓમાંથી વિજયસિંહ નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ હત્યામાં પલટાતા પોલીસે હુમલો કરનારાઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતકના ભાઈ કરણસિંહ સતુભા ચૌહાણે માંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધાવેલી ફરિયાદ અનુસાર, વિજયસિંહ ચૌહાણ મુન્દ્રામાં તેની માતા સાથે રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. દિવાળીના તહેવાર દરમિયાન તે પોતાના મોટાભાઈ કરણસિંહના ઘરે ભડાણા આવ્યો હતો. ગઇકાલે 12 નવેમ્બરના રોજ બપોરે વિજયસિંહ બાઈક લઇને પોતાના ભાઈના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, જયેશ ભરવાડ નામના શખ્સે તેને લાકડી મારી હતી.
વિજયસિંહે આ પ્રકારની વાત કરતા વિજયસિંહ અને તેનો ભાઈ કરણસિંહ જયેશ ભરવાડને સમજાવવા માટે ગયા હતા. અમારી સાથે ઝગડો કેમ કરો છો તેમ કહેતા જયેશ ભરવાડ, રુખડ ભરવાડ અને રમેશ ભરવાડ ઉશ્કેરાય ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા તથા મારવા જતા વિજયસિંહ અને કરણસિંહ પોતાના ઘરે આવી ગયા હતા અને પોલીસને ફોન કર્યો હતો.
પોલીસ તેમના ગામ ભડાણા નહીં આવતા વિજયસિંહ અને કરણસિંહ બન્ને બાઈક લઇને માંડલ પોલીસ સ્ટેશન આવવા નીકળ્યા હતા. બન્ન ભાઈ માંડલ પહોંચ્યા ત્યારે કરણસિંહના પત્નીનો તેમના પર ફોન આવ્યો હતો કે પોલીસ ઘરે આવી છે. વિજયસિંહ અને કરણસિંહ ઘરે પરત ફરી રહ્યાં હતા એ સમયે રસ્તામાં રૂખડ ભરવાડ, જયેશ ભરવાડ, હાથીભાઈ ભરવાડ, શકતાભાઈ ભરવાડ હાથમાં લાકડીઓ લઇને ઉભા હતા.
રૂખડ ભરવાડે તેના હાથમાં રહેલી લાકડીનો ફટકો વિજયસિંહના માથે માર્યો હતો. જેથી બાઈક નીચે પડી જતાં આવેલા શખ્સો વિજયસિંહ પર લાકડીઓ લઇને તૂટી પડ્યા હતા. કરણસિંહે પોતાના ભાઈને બચાવવાનો પ્રયાસ કરતા આ શખ્સોએ પણ કરણસિંહ પર હુમલો કર્યો હતો. હુમલો કરનારા કહી રહ્યાં હતા કે તમે બહુ અમારી પર છરીઓ ચલાવો છો.અમારી સાથે ઝગડો કરો છો. આજે તમને છોડવાના નથી મારી નાંખવા છે. એ સમયે રોડ પર અન્ય લોકો આવી જતાં આ શખ્સો ત્યાંથી જતાં રહ્યાં હતા.
ગંભીર ઇજાઓ થતાં વિજયસિંહ બેભાન થઇ જતાં વિજયસિંહને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે મૃતક વિજયસિંહના ભાઈ કરણસિંહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હુમલો કરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
