Ahmedabad: આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, ચોથા માળે પાલક ઉપરથી 3 શ્રમિકો નીચે પટકાયા; બેના મોત

ચોથા માળે પાલક ઉપર કેટલાક મજૂરો સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા, ત્યારે સંતુલન ગુમાવતા ત્રણ શ્રમિકો ધડામ કરતાં નીચે પટકાયા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Jan 2026 09:09 PM (IST)Updated: Thu, 01 Jan 2026 09:09 PM (IST)
ahmedabad-news-3-labour-fall-from-4th-floor-at-construction-sites-2-dead
HIGHLIGHTS
  • કલ્યાણ જ્વેલર્સની પાછળ બિલ્ડર ગ્રુપ વર્ધમાન ડેવલોપર્સના રેસિડેન્સિયલ પ્રોજેક્ટનો બનાવ
  • બન્ને મૃતકો રાજસ્થાનના વતની, એક શ્રમિકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

Ahmedabad: શહેરના આંબાવાડી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના સામે આવી છે. જેમાં સેન્ટીંગના કામકાજ દરમિયાન ત્રણેક મજૂરો ચોથા માળેથી નીચે પટકાયા હતા. જે પૈકી બે શ્રમિકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ કલ્યાણ જ્વેલર્સની પાછળના ભાગમાં વર્ધમાન ડેવલોપર્સ નામના બિલ્ડર ગ્રુપનો 'નંદીની હેપ્પીનેસ' નામે રેસિડેન્સિયલ પ્રોજેક્ટ આવેલો છે. આ કન્સ્ટ્રક્શન સાઈટ પર આજે સવારના સમયે સેન્ટીંગનું કામ ચાલી રહ્યું હતુ.

ચોથા માળેથી ત્રણ શ્રમિકો ધડામ કરતાં નીચે પટકાયા
કન્સ્ટ્રક્શન સાઈટ પર ચોથા માળે પાલક ઉપર કેટલાક મજૂરો સેન્ટીંગ પાર્ટનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ત્રણ જેટલા મજૂરોએ સંતુલન ગુમાવતા ધડામ કરતાં નીચે પટકાયા હતા. જેના પગલે ત્રણેય મજૂરોને ગંભીર ઈજા પહોંચી હતી. જે પૈકી બે શ્રમિકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ, જ્યારે બીજા મજૂરને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતનો ભોગ બનનારા ત્રણેય શ્રમિકો રાજસ્થાનના વતની
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં એલિસબ્રિજ પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બન્ને શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને મૃતકોની ઓળખ શાંતિલાલ માનત અને દેવીલાલ ભીલ તરીકે થઈ છે. જે બન્ને રાજસ્થાનના ઉદેપુર અને ડુંગરપુર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. હાલ તો બન્નેના પરિવારજનોને પણ આ બાબતે જાણ કરવામાં આવતા, તેઓ અમદાવાદ આવવા રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.