Ahmedabad: રાણીપમાં 288 મકાનોને ખાલી કરવાની નોટિસ મળતા સ્થાનિકોનો AMC કચેરીમાં હોબાળો, ઘરની સામે ઘર આપવાની માંગ

અહીં આદિવાસી, ઠાકોર, દલિત, દેવીપૂજક અને લઘુમતી સમાજના લોકો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 04 Feb 2025 06:46 PM (IST)Updated: Tue, 04 Feb 2025 06:46 PM (IST)
ahmedabad-news-288-houses-owner-get-notice-for-demolition-drive-in-ranip
HIGHLIGHTS
  • અગાઉ ઓઢવની રબારી વસાહતમાં પણ ડિમોલિશન ડ્રાઈવ કરવામાં આવી હતી

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરની ફરતે ડિમોલિશન ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવીને રસ્તો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા ઓઢવ સ્થિત રબારી વસાહતમાં રહેણાંક મકાનોમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતુ. જે બાદ હવે રાણીપની બકરા મંડીમાં વર્ષોથી રહેતા લોકોને તેમના મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે.

હકીકતમાં આગામી દિવસોમાં બકરામંડીની આસપાસના વિસ્તારનો રસ્તો ખુલ્લો કરવામાં આવવાનો છે. જેના માટે AMC દ્વારા અહીંના લોકોને પોતાના મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જેના પરિણામે રોષે ભરાયેલા બકરા મંડી તેમજ આસપાસના વિસ્તારમાં વસતા આદિવાસી, ઠાકોર, દલિત, દેવીપૂજક અને લઘુમતી સમાજના લોકો અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.

પોતાની રજૂઆતમાં લોકોએ જણાવ્યું કે, અગાઉ 2015માં પણ ડિમોલિશન કરીને અમારા મકાન તોડી નાંખવામાં આવ્યા હતા. આ ઘર બનાવવા માટે અમે અમારા જીવનભરની પુંજી લગાવી દીધી હતી. હવે અમને ફરીથી નોટિસ આપવામાં આવી છે. જો હવે અમારા ઘર તોડી નાંખવામાં આવશે, તો અમે ક્યાં જઈશું? અમારી એક જ માંગ છે કે, અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. જેમાં અમારા ઘરની સામે અમને બીજું ઘર આપવામાં આવવું જોઈએ.

આ અંગે પશ્ચિમ ઝોનના ડેપ્યુટી આસિસ્ટન્ટ ઑફિસરે જણાવ્યું કે, TP 3 રાણીપમાં 24.40 ફૂટનો રોડ છે. જે ખોલવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી છે. જેનો ફાઈનલ હુકમ થોડા દિવસ પહેલા જ આવ્યો હતો. જેને લઈને રાણીપના લોકો રજૂાત કરવા આવ્યા હતા. જેઓ પોતાના રહેઠાણના પુરાવા રજૂ કરશે, જે ચેક કરવામાં આવે છે. જે બાદ પાત્રતા ધરાવતા હશે, તો વૈકલ્પિક વ્યવસ્થા આપવા અંગે નિર્ણય લેવામાં આવશે.