Ahmedabad News: સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફાર્મનો ઉપયોગ કરીને યુવા પેઢી બરબાદ થવાની સાથે પરિવારને પણ ચિંતામાં મુકી દેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શીલજ વિસ્તારમાં રહેતી એક 21 વર્ષીય યુવતી સોશિયલ મીડિયા દ્વારા પુણેમાં રહેતા એક વિધર્મી યુવકના સંપર્કમાં આવી હતી. તેણે યુવક સાથે એ હદે સંબંધ વધારી દીધો કે ન્યુડ કોલ પણ થતા હતા.
આ દરમિયાન યુવકે સ્ક્રીન રેકોર્ડ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને નાણાં પણ પડાવ્યા હતા. તેમજ યુવતીએ પ્રેમી યુવકની વાતોમાં આવીને પરિવારને બ્લેકમેઇલ કરવા માટે હાથમાં બ્લેડના ઘા માર્યા હતા. જેથી કંટાળીને ન્યાય માટે પરિવારજનોએ છેવટે બોપલ પોલીસનો સંપર્ક કરીને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે આ સમગ્ર મામલો ખુબ ચોંકાવનારો છે. જેથી પોલીસ આરોપીને ઝડપવાની સાથે યુવતીની માનસિક સ્થિતિ વધુ ઝડપથી સુધારા પર આવે તે રીતે નિષ્ણાતની મદદ લઈને કાઉન્સેલિંગ કરવામાં આવશે. આ ઉપરાંત હાલ યુવતીની સારવાર જે મનોચિકિત્સક પાસે ચાલી રહી છે. તેની ફાઇલ પણ પોલીસ વિભાગ સાથે જોડાયેલા મનોચિકિત્સકો દ્વારા તપાસીને યુવતીનું કાઉન્સેલિંગ કરાશે.
