Ahmedabad News: અમદાવાદ શહેરમાં નવરાત્રીને પગલે વાહનચાલકોને કોઈ હાલાકી ન પડે. ગરબે રમવા જતાં ખેલૈયાઓને ટ્રાફિક ન નડે. તે હેતુથી અમદાવાદ પોલીસ દ્વારા અગત્યનો નિર્ણય લેવાયો છે. પોલીસ વિભાગના નવા નિયમ મુજબ, અમદાવાદના એસ.જી હાઇવે સહિત મુખ્ય માર્ગો પર ભારે વાહનોની અવરજવર પર રાત્રિના 2 વાગ્યા સુધી પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે.
ટ્રાફિક પોલીસને બે શિફ્ટમાં કામગીરી
નવરાત્રિમાં જાહેર માર્ગો પર ટ્રાફિકનું ભારણ ન વધે તે માટે રાત સિવાય દિવસે પણ ટ્રાફિક મેનેજમેન્ટ સુગમતાથી જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસને બે શિફ્ટમાં કામગીરી સોંપવામાં આવશે. તેની સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા એસપી રિંગ રોડ, એસજી હાઇવે સહિતના જંકશનો પર રાત્રિના 3 વાગયા સુધી ટ્રાફિક પોલીસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.
11તી 20 ઓકટોબર સુધી પ્રતિબંધ
ટ્રાફિક પોલીસના નવા નિર્ણય અંગે ટ્રાફિક જેસીપી અશ્વિન ચૌહાણના જણાવ્યા પ્રમાણે, નવરાત્રિના તહેવારમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુપણ ચાલે તે હેતુથી 11થી 20 ઓક્ટોબર સુધી રાત્રિના 2 વાગ્યા સુધી શહેરના માર્ગો પર ભારે વાહનોનો પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે 2 હજારથી વધારે ટીઆરબી જવાનો અને ટ્રાફિક પોલીસ તૈનાત રખાશે, તેમજ ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થામાં વધારે મજબૂતાઈ માટે સ્થાનિક પોલીસના 500 જવાનોની માંગણી મૂકાઈ છે.
મહિલાઓની સુરક્ષા અંગે શું કામગીરી?
નવરાત્રિ તહેવાર પર બહેનો અને દીકરીઓની સુરક્ષા માટે 'શી' ટીમ રોમિયો અને અસામાજિક તત્વો પર બાજ નજર રાખશે, ગરબા આયોજનોમાં મહિલાઓની સુરક્ષા માટે 49 ટીમો તહેનાત રહેશે, તેમજ મહિલાઓના ફોટો પાડનારા લુખ્ખા તત્વો પર કડક કાર્યવાહી કરાશે.
