Ahmedabad News: અમદાવાદ શહેરમાં સામાજિક મર્યાદા અને પારીવારિક વિવાદની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. મહિલાઓ પર થતાં માનસિક અને શારીરિક ત્રાસ અંગે પોલીસ ચોપડે ફરિયાદો નોંધાતા ચકચાર મચી ગઈ છે. આ કિસ્સાઓમાં વિદેશ જવાના નામે ઠગાઈ, વાઇફ સ્વેપિંગ જેવી બે બે ઘટનાઓ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પ્રથમ કિસ્સામાં ચાંદખેડા વિસ્તારની મહિલા પર પતિ દ્વારા વાઈફ સ્વેપિંગનું દબાણ અપાયું. જ્યારે બીજી ઘટનામાં વિદેશ જવાની લાલચ આપીને પત્નીના દાગીના અને રુપિયા લઈને તરછોડી દીધી છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી શરુ કરી છે.
વિદેશ જવા પત્નીને તરછોડી
પ્રથમ કિસ્સાની વાત કરીએ તો, શહેરના જગતપુર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન ઓસ્ટ્રેલિયા રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નના એક જ સપ્તાહમાં પત્નીને ઓસ્ટ્રેલિયા લઈ જવાનું વચન આપી યુવક વિદેશ જતો રહ્યો હતો. 4 વર્ષ સુધી રાહ જોયા બાદ વિઝા રિજેક્ટ થતાં જ પતિએ પત્ની પ્રત્યે ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. બે વર્ષ પહેલાં જ્યારે પતિ અમદાવાદ આવ્યો ત્યારે પૈસાની તંગ દર્શાવીને તેણે પત્નીની કિમતી દાગીના અને રોકડ પડાવી પાછો વિદેશ નાસી ગયો હતો. પરીણિતાએ જ્યારે સાસુ પાસેથી દાગીના પાછા માગતાં તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
ગોવામાં મિત્રો સાથે વાઇફ સ્વેપિંગનુ દબાણ
બીજી ઘટનામાં ચાંદખેડામાં રહેતી 37 વર્ષની મહિલાએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ દાખલ કરી છે. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદના આધારે, પતિ તેને મિત્રો સાથે ગોવા ફરવા લઈ ગયો હતો. ત્યાં પતિએ તેના પર મિત્રો સાથે વાઇફ સ્વેપિંગ કરવા દબાણ કર્યુ . જ્યારે મહિલાએ આ વાતનો વિરોધ કર્યો, તો તેની સાથે તેના પતિએ મારપીટ કરી હતી. એટલું જ નહીં પરંતુ પતિએ ધમકી આપી કે, મારા પાંચ મિત્રોને ઘરે મોકલીને તારા પર ગેંગરેપ કરાવીને મર્ડર કરાવી દઈશ. તેવો આક્ષેપ મૂક્યો હતો.
ફરિયાદમાં ઉલ્લેખ પ્રમાણે, જ્યારે દારુડિયા પતિનો અકસ્માત થતાં તે પથારીવશ થયો ત્યારે મદદ માટે ગયેલી વહુ સાથે સસરાએ પણ શારીરિક સંબંધની માગણી કરી હતી. તેમજ પતિ પણ અન્ય મહિલા સાથે રંગરેલિયા મનાવતા ઝડપાઈ જતાં મહિલા લાચાર બનીને પોલીસ સ્ટેશને ન્યાયની ગુહાર લગાવતા ફરિયાદ નોંધાવી છે.
