અમદાવાદમાં નવરાત્રીમાં ગરબા ગ્રાઉન્ડ્સમાં ફૂડ સ્ટોલ રાખતા પહેલા જાણી લો કયા કડક નિયમો પાળવા પડશે?

અમદાવાદમાં સોસાયટીઓ, પાર્ટી પ્લોટ, ક્લબ કે અન્ય કોઈ પણ સ્થળે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં સ્ટોલ ફાળવતાં પહેલાં આયોજકોએ સંબંધિત ફૂડ વેન્ડર પાસે માન્ય FSSAI લાયસન્સ કે રજિસ્ટ્રેશન છે કે નહીં તેની બારીકાઈથી ચકાસણી કરવી પડશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 04 Oct 2026 02:19 PM (IST)Updated: Sun, 04 Oct 2026 02:19 PM (IST)
ahmedabad-navratri-amc-issues-strict-guidelines-for-food-stalls-at-garba-grounds

Ahmedabad News: નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબે ઘૂમતા ખેલૈયાઓ અને નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તહેવારો ટાણે ગરબા ગ્રાઉન્ડ અને સોસાયટીઓમાં ખાદ્યપદાર્થોના સ્ટોલ પર લોકોને ચોખ્ખો, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી AMCના ફૂડ સેફ્ટી વિભાગે તમામ આયોજકો અને વેપારીઓ માટે કડક ગાઇડલાઇન બહાર પાડી છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, શહેરભરના તમામ ગરબા આયોજકો અને ફૂડ સ્ટોલ સંચાલકોએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ના નિયમોનું કડક પાલન કરવું પડશે.

માત્ર માન્ય લાયસન્સ ધરાવતા વેપારીઓને જ સ્ટોલ ફાળવે

અમદાવાદમાં સોસાયટીઓ, પાર્ટી પ્લોટ, ક્લબ કે અન્ય કોઈ પણ સ્થળે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં સ્ટોલ ફાળવતાં પહેલાં આયોજકોએ સંબંધિત ફૂડ વેન્ડર પાસે માન્ય FSSAI લાયસન્સ કે રજિસ્ટ્રેશન છે કે નહીં તેની બારીકાઈથી ચકાસણી કરવી પડશે. ફૂડ સેફ્ટી એક્ટની કલમ 31 હેઠળ ખાદ્ય સામગ્રીનો વ્યવસાય કરવા માટે આ મંજૂરી મેળવવી ફરજિયાત છે. આ ઉપરાંત ગ્રાહકોને સ્પષ્ટ દેખાય તે રીતે સ્ટોલ ઉપર લાયસન્સ કે રજિસ્ટ્રેશન નંબરનું બોર્ડ લગાવવું પડશે. આયોજકોને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે તેઓ માત્ર માન્ય લાયસન્સ ધરાવતા વેપારીઓને જ સ્ટોલ ફાળવે અને નવરાત્રી દરમિયાન નિયમો જળવાય છે કે નહીં તેની સતત દેખરેખ રાખે.

ફૂડ વેન્ડરોએ કયા કડક નિયમો પાળવા પડશે?

• ખાદ્યપદાર્થો સ્વચ્છ, ઢાંકીને તથા ધૂળ, માખી અને અન્ય દૂષણથી સુરક્ષિત રાખવા.
• પીવા અને ખાદ્યપદાર્થ બનાવવા માટે સલામત તથા પીવાલાયક પાણીનો જ ઉપયોગ કરવો.
• કાચા અને રાંધેલા ખાદ્યપદાર્થો અલગ રાખવા તથા યોગ્ય તાપમાને સંગ્રહ કરવા.
• વાસી, દૂષિત, અખાદ્ય કે સમયમર્યાદા પૂર્ણ થયેલા ખાદ્યપદાર્થોનો ઉપયોગ અથવા વેચાણ ન કરવું.
• ખાદ્યપદાર્થોમાં પ્રતિબંધિત અથવા મંજૂર મર્યાદા કરતાં વધુ કૃત્રિમ રંગનો ઉપયોગ ન કરવો.
• રસોઈ માટે ગુણવત્તાયુક્ત ખાદ્યતેલનો ઉપયોગ કરવો અને એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવો નહીં.
• ખાદ્યપદાર્થ બનાવનાર અને પીરસનાર વ્યક્તિએ સ્વચ્છ કપડાં, હેડકવર/કેપ તથા જરૂરી હોય ત્યાં ગ્લોવ્ઝનો ઉપયોગ કરવો.
• ખાદ્યપદાર્થોને હાથથી સીધો સ્પર્શ ટાળવો અને પીરસવા માટે સ્વચ્છ સાધનોનો ઉપયોગ કરવો.
• સ્ટોલની આસપાસ સ્વચ્છતા જાળવવી તથા ભીના અને સૂકા કચરા માટે ઢાંકણવાળી અલગ કચરાપેટીની વ્યવસ્થા કરવી.
• ખાદ્ય સામગ્રી માન્ય અને વિશ્વસનીય સપ્લાયર પાસેથી ખરીદવી તથા તેના બિલ અને ખરીદીના રેકોર્ડ ઉપલબ્ધ રાખવા.
• FSSAIના Schedule-4 મુજબની સ્વચ્છતા અને સેનિટેશનની જોગવાઈઓનું પાલન કરવું.

શહેરમાં AMCની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાશે

AMCના ફૂડ ઇન્સ્પેક્ટરો અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમો નવરાત્રીના શહેરના તમામ વિસ્તારોમાં ચાલતા ગરબા મહોત્સવ, પાર્ટી પ્લોટ, ક્લબ અને સોસાયટીઓમાં અચાનક દરોડા પાડીને લાયસન્સ, સાફ-સફાઈ, તેલની ક્વોલિટી અને સંગ્રહ વ્યવસ્થાનું ચેકિંગ કરવામાં આવશે. શંકાસ્પદ જણાતા ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાશે અને જો કોઈ પણ જગ્યાએ ગંભીર ક્ષતિ કે નિયમભંગ જણાશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.