Radhe Raas Navratri 2026: ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને ભક્તિ ઉત્સવ એવા નવરાત્રી મહોત્સવને લઈને અમદાવાદ શહેરમાં ગરબા રસિકો માટે એક મોટા અને આકર્ષક સમાચાર સામે આવ્યા છે. રાધે ઇવેન્ટ્સ અને શિવ શક્તિ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે 'રાધે રાસ નવરાત્રી 2026'નું ભવ્ય આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે આયોજકો દ્વારા પરંપરાગત મંડળી ગરબા, આધુનિક લાઇવ મ્યુઝિક, ભક્તિસભર વાતાવરણ અને અત્યંત વ્યાજબી પાસ દરનો અનોખો સમન્વય રજૂ કરવામાં આવશે, જેથી દરેક વર્ગના લોકો અને પરિવારજનો આ ઉત્સવનો ભરપૂર આનંદ માણી શકે.
આ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન ધ રાઇઝર ગ્રુપ તથા ફિસ્કલ પ્રેસ્ટિજ સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઇવેન્ટનું નેતૃત્વ નારાયણ ગઢવી, કરણ ઠાકર, વિશ્વરાજસિંહ પરમાર અને રઘુવીરસિંહ જાડેજા કરી રહ્યા છે. આ આયોજનને વધુ લોકપ્રિય અને પહોંચ યોગ્ય બનાવવા માટે જાણીતા રેડિયો જોકી RJ સિદ્ધ અને RJ દીપાલી પણ ઑફિશિયલ પાર્ટનર તરીકે જોડાયા છે. આયોજકોના જણાવ્યા અનુસાર, 'રાધે રાસ નવરાત્રી'નો મુખ્ય ઉદ્દેશ્ય પ્રીમિયમ લેવલનો ગરબા અનુભવ અત્યંત પરવડે તેવી કિંમતના પાસ સાથે આપવાનો છે, જેથી અમદાવાદના ખેલૈયાઓ અને પરિવારજનો એકસાથે મળીને નવરાત્રીના નવે-નવ દિવસ સાંસ્કૃતિક ઉત્સાહ સાથે ઉજવી શકે.
બે પ્રી-નવરાત્રી સાંજ અને નામાંકિત કલાકારોનો જમાવડો
આ વર્ષે 'રાધે રાસ નવરાત્રી 2026'ની શરૂઆત બે ખાસ પ્રી-નવરાત્રી સાંજ સાથે થશે. 7 ઓક્ટોબર 2026ના રોજ લોકપ્રિય લોકગાયક રાજ ગઢવી પોતાના સુરીલા અવાજથી પ્રી-નવરાત્રીનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ 10 ઓક્ટોબર 2026ના રોજ જાણીતી સિંગર કાજલ સોની ખેલૈયાઓને ગરબે ઘૂમવા માટે મજબૂર કરશે.
મુખ્ય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ 11 ઓક્ટોબર 2026થી થશે, જેમાં પ્રથમ નોરતે જાણીતું 'અઘોરી મ્યુઝિક' બેન્ડ ધમાકેદાર પર્ફોર્મન્સ આપશે. બીજા દિવસે 12 ઓક્ટોબરે ભૂપેન્દ્ર શાસ્ત્રી અને ત્રીજા નોરતે 13 ઓક્ટોબરે નરેન્દ્ર રાવ તથા કીર્તિ રાવ ગરબાની રમઝટ બોલાવશે. આગળના દિવસોમાં 14 ઓક્ટોબરે હેતલ સાધુ, 15 ઓક્ટોબરે આયુષ શ્રોતિયા, 16 ઓક્ટોબરે પ્રીતિ પટેલ અને 17 ઓક્ટોબરે અર્ચના જોશી પોતાના ભક્તિમય ગીતો અને ગરબા ટ્યુન્સથી સ્ટેજ ગજવશે. આઠમા નોરતે 18 ઓક્ટોબરે હેતલ સાધુ ફરી એકવાર ખેલૈયાઓને જુમાવશે. અંતે 19 ઓક્ટોબર 2026ના રોજ મહાનવમીના દિવસે પૂજા રાવતના પર્ફોર્મન્સ સાથે આ ભવ્ય નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
રાધે ઇવેન્ટ્સ અને તેમના સહ-આયોજકો દ્વારા અમદાવાદના તમામ નાગરિકો, ગરબા પ્રેમીઓ અને યુવાધનને 'રાધે રાસ નવરાત્રી 2026'માં સહભાગી થવા અને પરંપરા તથા આધુનિક એન્ટરટેઇનમેન્ટના આ અદભુત સંગમનો હિસ્સો બનવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
