Ahmedabad Drug Bust: ગુજરાતમાં નશાનો કાળો કારોબાર કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદમાં નરોડા પોલીસ દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે 14.16 કરોડના મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. જેમાં એક નાઇજીરીયન નાગરિક હોવાનું સામે આવ્યું છે. મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીની સઘન પૂછપરછ સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
14.16 કરોડનું મેથામ્ફેટાઇમાન ડ્રગ્સ ઝડપાયું
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, નરોડા પોલીસને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા તારની ચોક્કસ બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે નરોડા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 14.16 કરોડની કિંમતનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કર્યું છે. જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તેને હાઇ ક્વોલિટીનું માનવામાં આવી રહ્યું છે.
ડ્રગ્સ ક્યાં પહોંચડાવનું હતું તેની પૂછપરછ શરૂ કરાઇ
પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરતા બંને આરોપીઓ વિરુદ્ધ નિકોટિનિક એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને બન્ને આરોપીની ધરપકડ કરી છે. બન્ને આરોપીની હાલ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને અમદાવાદ સહિત ગુજરાતના અન્ય કયા વિસ્તારોમાં તેને પહોંચાડવાનું હતુ સહિતની માહિતી મેળવવામાં આવી રહી છે.
કોઇ મોટું ડ્રગ માફિયા સક્રિય છે કે કેમ તેની તપાસ શરૂ
આ નેટવર્ક પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા ગ્રૂપ સક્રિય છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતા પોલીસ પ્રશાસન પણ એક્શન મોડમાં આવી ગયું છે. નાઇજીરીયન નાગરિક ભારતમાં કયા વિઝા પર આવ્યો હતો અને તેના સ્થાનિક સંપર્કો કોણ હતા, તેની કુંડળી ખંખેરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા ખુલાસા થવાની પૂરી સંભાવના છે.
