Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર નશામાં ધૂત એક વ્યક્તિએ લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. અમદાવાદના હંસપુરા એરિયામાં એક કાર ચાલકે રીતસરનો આતંક મચાવ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો મુજબ નરોડાના હંસપુરા વિસ્તારમાં સોમવારે રાત્રે એક બ્લેક કલરની સ્કોર્પિયો કારે અકસ્માત સર્જો હતો. આ કારે એક મહિદ્રા એક્સયુવી અને બે બાઈકને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને ચાલકને પકડી લીધો હતો. જોકે ચોંકાવનારી બાબત એ છે કે, કાર ચાલક નશામાં હતો અને લથડીયા ખાતો હતો.
એક કાર અને બે બાઈકને લીધા અડફેટે
મહિદ્રા એક્સયુવીને જ્યારે સ્કોર્પીયો કારે ટક્કર મારી ત્યારે જય સોનારા નામનો યુવક મહિદ્રા એક્સયુવીમાં બેઠો હતો. તેમની સાથે બનેલી આ ઘટના અંગે તેમણે કહ્યું કે, સોમવારની રાત્રે આશરે નવ વાગ્યાની આસપાસ હંસપુરા ખાતે હું મહિદ્રા એક્સયુવીમાં વચલી સીટમાં બેઠો હતો તે દરમિયાન એક સ્કોર્પીયો પવનની ગતિએ આવી અને કારને ટક્કર મારી દીધી. જોકે, વાત અહીં અટલી નહીં સ્કોર્પીયો ચાલકે બે બાઈકને પણ અડફેટે લીધા હતા. જે બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. અકસ્માતની ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકો તાત્કાલિક કાર ચાલકને ઝડપી લીધો હતો. અકસ્માત સર્જનાર યુવકનું નામ આકાશ સથવારા હોવાની વાત સામે આવી છે, અને તે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર ખાતે રહેશે.
મોઢામાંથી આવતી હતી દુર્ગંધ
અકસ્માત સમયે ત્યાં હાજર કેટલાક લોકોએ ચોંકાવનારી માહિતી આપી છે. સ્થાનિકોએ જણાવ્યું કે, અકસ્માત બાદ જ્યારે આરોપીને પકડ્યો ત્યારે તેમના મોઢામાંથી કોઈ નશો કર્યો હોય તેવી દુર્ગંધ આવતી હતી અને તે યોગ્ય રીતે ચાલી પણ શકતો નહોતો અને લથડીયા ખાતો હતો. અકસ્માત બાદ લોકોએ તાત્કાલીક પોલીસને જાણ કરી હતી.
પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે થઈ બોલાચાલી
ઘટનાની જાણ થતા પોલીસ અકસ્માત સ્થળે આવી હતી અને કારને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ કામગીરી દરમિયાન હોબાળો ત્યારે મચી ગયો જ્યારે અકસ્માત સર્જનાર યુવકને એક પ્રાઈવેટ કારમાં લઈ જવામાં આવ્યો. જોકે આ અંગે સ્થાનિકોએ પોલીસને આ પ્રાઈવેટ કાર વિશે પૂછ્યુ તો તેમણે કાર પોલીસની હોવાની વાત કરી હતી. જોકે લોકોએ ચાલકને પોલીસની PCR ગાડીમાં લઈ જવા માટે અનુરોધ કર્યો હતો. આ વાતને લઈને પોલીસ અન સ્થાનિક વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
કારમાં નંબર પ્લેટ પણ નહોતી
જોકે ચોંકાવનારી વાત એ પણ છે કે જે કારે અકસ્માત સર્જ્યો તે કારમાં નંબર પ્લેટ પણ નહોતી. એટલું જ નહીં તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, કારમાં પોલીસ લખેલું પાટીયું પણ મળી આવ્યું છે. નોંધનીય છે કે, પ્રાઈવેટ કારમાં આ રીતે પોલીસ લખેલા પાટીયા રાખવા અંગે પ્રતિબંધ છે. આ અંગે અનેકવાર પોલીસવડાએ ટકોર પણ કરી છે. જોકે, હાલમાં તો પોલીસે ચાલકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
