Vatva Vandervat Lake Demolition: અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહીરૂપે મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન (Demolition) હાથ ધરવામાં આવ્યું છે. વાંદરવટ તળાવ વિસ્તારમાં આવેલા 400 જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વટવા વિસ્તારમાં મેગા ડિમોલિશન, 400 બાંધકામ ધ્વંસ થશે
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવો અને વોટર બોડી વિસ્તારોને દબાણમુક્ત કરવા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અગાઉ ચંડોળા અને ઈસનપુર વિસ્તારમાં કડક કાર્યવાહી કર્યા બાદ આ કડીમાં હવે વટવા જોડાયું છે. વટવામાં આવેલા વાંદરવટ તળાવ (Vanderwat Lake) વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, JCB ધણધણી ઉઠ્યા
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વટવાના વાંદરવટ તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોઈ અનઇચ્છનીય બનાવો ટાળવા અને સુરક્ષા હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આશરે 500 જેટલા પોલીસકર્મીઓ અને 500થી વધુ AMCના અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર હાજર છે. આ કાર્યવાહીમાં હિટાચી મશીન, JCB અને મોટી સંખ્યામાં મજૂરો જોડાયા છે.
અસરગ્રસ્ત લોકો માટે વિશેષ વ્યવસ્થા
આ કાર્યવાહી દરમિયાન મનપા દ્વારા અસરગ્રસ્ત લોકો માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રહીશોને તેમનો સામાન ખસેડવા માટે AMTS બસો સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે. જે પરિવારો પાસે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા નથી, તેમને શેલ્ટર હોમમાં ખસેડવાની સુવિધા આપવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ AMC દ્વારા દબાણકર્તાઓને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા માટે કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી.
AMCએ તૈયાર કર્યો ખાસ પ્લાન, ચાર તબક્કામાં કામગીરી
આ મેગા ડિમોલેશન માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ કામગીરીને ચાર તબક્કામાં વહેંચવામાં આવી છે, જેમાં એસ્ટેટ વિભાગની કુલ 10 ટીમો કાર્યરત કરવામાં આવી છે. બે ધાર્મિક સ્થાનો સિવાયના તમામ ગેરકાયદે બાંધકામ દૂર થયા બાદ આ તળાવને ડેવલપ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થવાથી તળાવની જળસંગ્રહ ક્ષમતા વધશે અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિમાં સુધારો જોવા મળશે.
