Ahmedabad Demolition: થોડાક સમય પહેલાં અમદાવાદના ચંડોળામાં તંત્ર દ્વારા મેગાડિમોલિશન કરાયા બાદ હવે સરખેજ-જુહાપુરા રોડ પર આવેલા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે કોર્પોરેશનની ટીમે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડની વચ્ચે દબાણ કરાયેલી 4 મઝાર, એક કબ્રસ્તાન અને એક મંદિરનું દબાણ હટાવ્યું છે.
આ પણ વાંચો
મહત્ત્વનું છે કે, આ દબાણને લીધે વર્ષોથી સરખેજ-જુહાપુરા રોડ પર આખો દિવસ ભારે ટ્રાફિક જામ થતો હતો. કોર્પોરેશને ઘણાં સમય પહેલા આ બાબતે નોટિસ આપી હતી. છતા દબાણકર્તા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હતી. જે બાદ ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારે બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવી દીધું છે.
સરખેજ પોલીસ સ્ટેશનના PI R K ધુળિયાએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે સરખેજ-જુહાપુરા રોડ પર દબાણ હટાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં ચાર મઝાર, એક મસ્જિદ અને એક મંદિરનું દબાણ હટાવવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ દબાણ હટાવવા માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દબાણ હટાવીને રોડ ખુલ્લો કરાયો છે. આ કાર્યવાહી દરમિયાન એક ACP, 2 PI, 5 PSI અને 72થી વધુ પોલીસનો કાફલો તહેનાત હતો. હવે કોઈ વિવાદ ના થાય એ માટે અત્યારે પોલીસની ત્રણ ગાડી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
