અમદાવાદના આગામી બજેટ માટે AMCએ માંગ્યો નાગરિકોનો અભિપ્રાય, 2 હજારથી વધુ સૂચનો મળ્યા

AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે, પ્રાપ્ત થયેલા સૂચનોનો અભ્યાસ કરીને આગામી બજેટમાં આવરી લેવા કામગીરી કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 19 Nov 2026 11:32 PM (IST)Updated: Thu, 19 Nov 2026 11:32 PM (IST)
ahmedabad-municipal-corporation-budget-2027-ahmedabad-citizens-2007-suggestions-amc

Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા આગામી બજેટ તૈયાર કરવા માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં કુલ 2,007 સૂચન પ્રાપ્ત થયા છે. આ સૂચનોમાં રોડ-રસ્તા, પાણી અને ગટર જેવી ફરજિયાત સેવાઓ ઉપરાંત નાગરિકો માટેની અન્ય સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક 19 નવેમ્બર, ગુરુવારના રોજ ચેરમેન કમલેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસલક્ષી અને વહીવટી કામો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જે દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા આગામી બજેટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આગામી બજેટ માટે મળ્યા 2,007 સૂચનો

AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, AMC દ્વારા દર વર્ષે બજેટ તૈયાર કરતી વખતે 'સૌનો સાથ, સૌનો વિકાસ' ના અભિગમ સાથે નાગરિકોની જરૂરિયાત અને સૂચનોને પ્રાધાન્ય આપવામાં આવે છે.

આગામી બજેટમાં સામાન્ય નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કોર્પોરેશન દ્વારા નાગરિકો પાસેથી પોતાના વિસ્તાર અને શહેરના વિકાસ માટે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ઈ-મેલ અને પત્ર મારફતે કુલ 2,007 સૂચનો મળ્યા છે.

સૂચનોને બજેટમાં આવરી લેવા કામગીરી થશે

નાગરિકોના આ સૂચનોમાં 1,074 સૂચનો રોડ-રસ્તા, પાણી અને ગટર વ્યવસ્થા જેવી ફરજિયાત નાગરિક સેવાઓને લગતા હતા. તેમજ 933 સૂચનો કોર્પોરેશન દ્વારા નાગરિકોના હિતમાં પૂરી પાડવામાં આવતી મરજિયાત સેવાઓને લગતા હતા.

પ્રાપ્ત થયેલા સૂચનોનો અભ્યાસ કરીને શક્ય તેટલા તમામ સૂચનોને આગામી બજેટમાં આવરી લેવાની દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું.