Ahmedabad: ગુજરાતમાં હાર્ટ એટેકથી થતાં મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો, 24 કલાકમાં સુરત, રાજકોટ અને ઈડરમાં વધુ 3ના શ્વાસ થંભ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 02 Nov 2023 08:08 PM (IST)Updated: Thu, 02 Nov 2023 08:08 PM (IST)
ahmedabad-more-3-persons-died-due-to-heart-attack-across-gujarat-today

Ahmedabad: ગુજરાતમાં હાર્ટ એટેકથી થતાં મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં 6 લોકો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા હતા. જે બાદ આજે રાજકોટ અને ઈડરમાં 1-1 જણાનું હ્રદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે.

પ્રથમ બનાવમાં હિતેશ ભાટી (52) નામના આધેડ અમીન રોડ પર આવેલ પોતાની ધી ટ્રેન્ડ્સ યુનિક્સ નામના સલુનમાં કામ કરતા હતા. આ દરમિયાન અચાનક ગભરામણ થયા બાદ તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ.

હાર્ટ એટેકથી મોતનો બીજો બનાવ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં પાર્વતીબેન પંચાલ (55) નામની આધેડ મહિલાનું પણ છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું માલૂમ પડ્યું છે.

ત્રીજો બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં શહેરના ઉધના વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની સંજય ચૌહાણ (25)ને આજે સવારે ઉઠ્યો, ત્યારે છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. આથી પરિવારજનો સંજયને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ સંજયનો જીવ બચાવવા માટે એક કલાકમાં 300થી વધુ CPR અને ઈમરજન્સી ઈન્જેક્શનો આપી જોયા હતા. આમ છતાં સંજયનો જીવ બચાવી શકાયો નહતો.

વિજાપુર હાઈવે પર ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક
આ ઉપરાંત આજે પાટણ-લુણાવાડા રૂટની એસ.ટી બસ હિંમતનગર-વિજાપુર હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે બસના ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જો કે ડ્રાઈવરે પોતાની સુઝબુઝ વાપરીને બસને સાઈડમાં ઉભી રાખતા મુસાફરોનો જીવ બચ્યો હતો. જે બાદ 108ની મદદથી ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચમાં ચોથા ધોરણમાં ભણતી બાળકીનું હાર્ટ એટેકથી મોતની આશંકા
ભરૂચ જિલ્લાના વાલિયામાં ધોરણ-4માં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકીની પણ ગઈકાલે મોડી રાતે અચાનક તબીયત લથડી હતી. જેથી તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ બાળકીનું મોત પણ હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

જણાવી દઈએ કે, ગઈકાલે પણ એક જ દિવસમાં હાર્ટ એટેકના કારણે રાજ્યભરમાંથી 6 જણાના મોત નીપજ્યા હતા. જે પૈકી રાજકોટમાં 2, ઉત્તર ગુજરાતમાં 3 અને સુરેન્દ્રનગરમાં 1 મળીને 6 વ્યક્તિનુ હ્રદય રોગના હુમલાથી મોત થયું હતુ.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.