Ahmedabad Metro: અમદાવાદ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં, શાહપુરથી જૂના હાઇકોર્ટ સેક્શન વચ્ચે ગઈકાલે રાત્રે કેબલ ચોરીના બનાવના કારણે એપેરલ પાર્કથી જૂની હાઇકોર્ટ વચ્ચે સવારે ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી. જોકે, વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક અને જૂની હાઈકોર્ટથી થલતેજ ગામ સ્ટેશનો વચ્ચે ટ્રેન સેવાઓ ઉપલબ્ધ હતી. ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં નિયમિત ટ્રેન સેવાઓ પર કોઈ અસર પડી ન હતી.
અમદાવાદ પોલીસ અને અન્ય કોન્ટ્રાક્ટર એજન્સીઓની મદદથી GMRCL સ્ટાફે યુદ્ધના ધોરણે કાર્ય કરી બપોરે 1.26 વાગ્યે કેબલ બદલીને અસરગ્રસ્ત ભાગને પુનઃસ્થાપિત કરેલ અને બપોરે 1.37 વાગ્યે નિયમિત રૂપે ટ્રેન સેવાઓ નું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે.
થલતેજ-વસ્ત્રાલ રૂટ પ્રભાવિત થયો હતો
મળતી વિગતો અનુસાર, આજે સવારે નોકરિયાત વર્ગ અને દૈનિક અવર-જવર કરતા મુસાફરો મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે, ટેક્નિકલ ખામી સર્જાવાના કારણે થલતેજ અને વસ્ત્રાલ વચ્ચેનો રૂટ પ્રભાવિત થયો છે. થલતેજથી જૂની હાઇકોર્ટ સુધીની સેવા ચાલુ છે પરંતુ જૂની હાઇકોર્ટથી વસ્ત્રાલની સેવા ખોરવાઇ હતી.
મેટ્રો સેવા ખોરવાતા મુસાફરો અટવાયા હતા
મેટ્રો સેવા ખોરવાતા ગુજરાત યુનિવર્સિટી સહિતના સ્થળોએ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મોટી સંખ્યામા મુસાફરો ભેગા થયા હતા. રિક્ષા અને બસ જેવા વૈકલ્પિક વાહન વ્યવહારનો ઉપયોગ કરીને પોતાના ગંતવ્ય સ્થળે જવાની મુસાફરોને ફરજ પડી હતી. એક મુસાફર દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, સવારે 8 વાગ્યે ટ્રેન પકડવા માટે સ્ટેશને આવ્યો પરંતુ એક કલાક સુદી ટ્રેન આવી નહીં. ત્યારબાદ એક મેટ્રો આવી અને આગળ જઇને ઉભી રહી ગઇ હતી. ટેક્નિકલ ખામીના કારણે રૂટ બંધ હોવાની માઇક દ્વારા જાહેરાત કરાઇ હતી.
