Ahmedabad Metro New Timing: મીડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા માટેની અપીલ કરવામાં આવી છે. PM મોદીની અપીલની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.
ખાસ કરીને સરકારી વિભાગમાં ઈંધણ બચાવવા માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં કર્મચારીઓને જાહેર પરિવહનનો વધુમાં વધુમાં ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે આજ રોજ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા કેટલીક જાહેરાત કરવામાં આવી છે.
મેટ્રો ટ્રેનનો સમય વધારવાનો નિર્ણય લેવાયો
આ અંગે વિગતો આપતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, લોકો વધુમાં વધુ મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરતાં થાય તે માટે અમદાવાદ મેટ્રોનો સમય વધુ એક કલાક લંબાવવામાં આવ્યો છે. અત્યાર સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હોય, ત્યારે જ મેટ્રો રાતે મોડા સુધી દોડતી હતી. જો કે ઈંધણ બચાવવાના ભાગરૂપે લોકોને મોડા સુધી મેટ્રો મળી રહે, તે માટે હવેથી રાતે 11 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે.
આવી જ રીતે તમામ મંત્રીઓ અને સરકારી અધિકારીઓ પાસે રહેલા વધારાના વાહનોને જમા કરાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ તમામ સરકારી કેન્ટીનમાં PNG આધારિત ગેસ સિસ્ટમ નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્ક ફ્રોમ હોમ બાબતે સરકારનો હાલ કોઈ નિર્ણય નહીં
વડાપ્રધાનની અપીલ બાદ અલગ-અલગ કર્મચારી યુનિયનો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે વર્ક ફ્રોમ હોમ કલ્ચરનો અમલ કરવા તેમજ તમામ મિટિંગો વીડિયો કોન્ફરન્સિંગથી કરવા માટે રજૂઆત કરી હતી.
ધ ગુજરાત સચિવાલય ફેડરેશન સહિતના યુનિયનોએ રજૂઆતમાં જણાવ્યું કે, સચિવાલય ઉપરાંત વિવિધ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનેક કર્મચારી-અધિકારીઓ કામ કરે છે. આથી તેમના દ્વારા પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટે અને ટ્રાફિકનું ભારણ ઓછુ થાય તે માટે કોરોના કાળ દરમિયાન અમલમાં મૂકાઈ હતી તેવી પદ્ધતિ અમલમાં મૂકાવવી જોઈએ.
જેના માટે સચિવાલયના વિવિધ વિભાગોમાં 'હાઈબ્રિડ વર્ક મોડલ' શરૂ કરવું, 5 ડેઝ વીક અમલમાં મૂકવા તેમજ રોટેશન પ્રમાણે વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
જેનાથી માત્ર પેટ્રોલ-ડીઝલમાં બચત થવાની સાથે જ ટ્રાફિકમાં ઘટાડો, પ્રદૂષણ નિયંત્રણ, સમયની બચત, ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન અને કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો જેવા સકારાત્મક પરિણામો મળશે.
આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આ વૈશ્વિક સંકટની સ્થિતિ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધ-ઘટ થઈ રહી છે. અત્યાર સુધી ભારત સરકારે પ્રજાને ભાવમાં રાહત આપી જ છે.
