Ahmedabad: ચંદીગઢથી લાખોની કિંમતનું MD ડ્રગ્સ બેંગ્લોર લઈ જતો શખ્સ ઝડપાયો, નાઈજીરીયન સિન્ડિકેટની સંડોવણી સામે આવી

અમદાવાદમાં નરોડા પોલીસે 55.50 લાખની કિંમતનું 1.85 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 19 Sep 2026 11:14 AM (IST)Updated: Sat, 19 Sep 2026 11:14 AM (IST)
ahmedabad-md-drugs-chandigarh-bangalore-nigerian-syndicate-drug-network

Ahmedabad News: સમગ્ર ભારત દેશમાં ડ્રગ્સનો કારોબાર ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યો છે. તેની સામે દેશની સુરક્ષા એજન્સીઓ કડક પગલાં લઈને મોટી હેરાફેરીઓનો પર્દાફાશ કર્યાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદમાં પોલીસે એમડી ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બેંગ્લોરનો એક શખ્સ અંદાજે 55 લાખની કિમતનું 1 કિલોથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો લઈને બેંગલોર જતો હતો. તેને નરોડા પોલીસે ઝડપી લીધો. તેની અટકાયત સાથે જ સમગ્ર દેશમાં ચાલી રહેલા આંતરરાજ્ય ડ્રગ્સની પોલ ખુલી ગઈ છે.

એમડી ડ્રગ્સ સાથે સપ્લાયર ઝડપાયો

પોલીસની વિગતો પ્રમાણે, નરોડા પોલીસને બાતમી મળી હતી કે નાના ચીલોડા પાસેથી અંદાજે 55 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક સપ્લાયર બેંગ્લોર જઈ રહ્યો છે. પોલીસે બાતમીને આધારે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસની અટકાયતમાં રહેલા આરોપીની ઓળખ નિખિલેશ ક્રિષ્નપ્પા તરીકે થઈ છે અને તે બેંગ્લોર ખાતે રહે છે. આરોપી ચંદીગઢથી અલગ અલગ બસો બદલીને બેંગ્લોર જઈ રહ્યો હતો.

ડ્રગ્સ હેરાફેરીમાં નાઈજીરીયન સિન્ડીકેટની સંડોવણી

આરોપી બસ બદલવા જતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી રુ. ₹55.50 લાખની કિંમતનું 1.85 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતું. પોલીસે તેની સઘન પુછપરછ કરતાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. આરોપીએ જણાવ્યું કે, ડ્રગ્સના ગેરકાયદેસર નેટવર્ક પાછળ એક નાઈજીરીયન ડ્રગ્સ સિન્ડિકેટ છે. આરોપીને ચંદીગઢથી ડ્રગ્સ સપ્લાય કરનાર બે નાઇજીરીયન મૂળના નાગરિકો હતા. તેમજ નિખિલેશ પાસેથી ડ્રગ્સનો જથ્થો રિસીવ કરનારો પણ એક અન્ય નાઈજીરીયન આરોપી હોવાનું ખુલ્યું છે.

બેંગ્લોરના શખ્સ પાસેથી એમડી ડ્રગ્સ મળ્યું

પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં ખુલાસો થયો કે આરોપી મૂળ બેંગ્લોરનો રહેવાસી છે. તે અગાઉ એક કોફી શોપમાં કામ કરતો હતો. ત્યાંથી તે ફ્રેન્ક નામના નાઇજીરીયન યુવકના સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે રહી તે નશાની લતમાં સપડાઈ ગયો હતો. પોતાના મોજશોખ પૂરા કરવા માટે તે સિન્ડીકેટનો સપ્લાયર બન્યો. સિન્ડિકેટ તરફથી એક ડ્રગ્સની હેરાફેરી બદલ 1 લાખની રકમ મળતી હતી.

પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી

હાલ પોલીસે આરોપીની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ આ ડ્રગ્સ નેટવર્કમાં વિદેશી સિન્ડીકેટની સંડોવણી સામે આવતાં પોલીસે ગેંગના સભ્યોને પકડવા માટે ચંદીગઢથી લઈને બેંગ્લોર સુધી તપાસ પ્રારંભ કરી દીધી છે. આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.