Ahmedabad: અમદાવાદમાં ડ્રગ્સ-પેડલરે PSI પર કાર ચઢાવવા કર્યો પ્રયાસ, બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત, લાખ રૂપિયાનું MD ડ્રગ્સ જપ્ત

ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડ્રગ્સ-પેડલરે પહેલા પોલીસની બાઇકને કચડી અને પછી પોલીસકર્મીઓને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 05 Aug 2025 04:38 PM (IST)Updated: Tue, 05 Aug 2025 04:38 PM (IST)
ahmedabad-news-drug-peddler-rams-car-into-psi-two-cops-injured-md-drugs-worth-lakhs-seized
HIGHLIGHTS
  • SOGના બાતમીને આધારે પોલીસે આશ્રમ રોડ પર વોચ ગોઠવી હતી.
  • પોલીસે તેની ગાડી રોકીને તપાસ કરતાં તેની પાસેથી 58.100 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું, જેની કિંમત રૂપિયા 5.81 લાખ છે.

Ahmedabad News: અમદાવાદમાં ડ્રગ્સ-પેડલરોની બેફામ પ્રવૃત્તિઓ સામે આવી છે. તાજેતરમાં આશ્રમ રોડ પર ડ્રગ-પેડલરને પકડવા ગયેલા PSI પર કાર ચઢાવવાનો પ્રયાસ થયો હતો. આ ઘટના 2 ઓગસ્ટના રોજ બની હતી અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડ્રગ્સ-પેડલરે પહેલા પોલીસની બાઇકને કચડી અને પછી પોલીસકર્મીઓને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે હિંમતભેર ગાડીમાં ઘૂસીને આરોપીને પકડી પાડ્યો.

5.81 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત

SOGના બાતમીને આધારે પોલીસે આશ્રમ રોડ પર વોચ ગોઠવી હતી. ત્યાં જ બહેરામપુરાનો ડ્રગ્સ-પેડલર મહંમદ હમજા ઉર્ફે મુલ્લા શેખ પોતાની કારમાં ડ્રગ્સ વેચવા આવ્યો હતો. જ્યારે પોલીસે તેને ગાડીમાંથી બહાર આવવા કહ્યું ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેની ગાડી રોકીને તપાસ કરતાં તેની પાસેથી 58.100 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું, જેની કિંમત રૂપિયા 5.81 લાખ છે. આરોપીએ કબૂલ્યું કે તે પોતે ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો અને નશા માટે પૈસા ન હોવાથી છેલ્લા બે વર્ષથી ડ્રગ્સ વેચીને કમિશન લેતો હતો.

જુહાપુરામાંથી પણ ડ્રગ્સ-પેડલર ઝડપાયો

એ જ દિવસે, જુહાપુરામાંથી પણ અન્ય એક ડ્રગ્સ-પેડલર ઝડપાયો હતો. SOGને મળેલી બાતમીના આધારે પોલીસે મુબારક સોસાયટીના મહંમદ સહેજાદ ઉર્ફે મહંમદ હનીફ મન્સૂરીને ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસને રૂ. ૩.૪૨ લાખનું ૩૪.૨૩ ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું. તેણે આ ડ્રગ્સ રિલીફ રોડના રાહિલ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું, જેના આધારે પોલીસે હવે રાહિલની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાઓ દર્શાવે છે કે શહેરમાં ડ્રગ્સનો વેપાર બેફામ રીતે ચાલી રહ્યો છે.