Ahmedabad New Mayor Announced: અમદાવાદ મહાનગરપાલિકાની (AMC) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને 160 બેઠકો સાથે ભવ્ય વિજય મળ્યા બાદ નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટની નિમણૂક કરવામાં આવી છે.
નવા નેતૃત્વની જાહેરાત, મેયર પદે હિતેશ બારોટ
આજે 26 મે, મંગળવારના રોજ અમદાવાદમાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મુખ્ય હોદ્દેદારોના નામો પર મહોર મારવામાં આવી છે. અમદાવાદ શહેરના નગરપતિ તરીકે હિતેશ બારોટની મેયર પદે નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર પદ OBC પુરુષ માટે અનામત રાખવામાં આવ્યું હતું, જેના માટે હિતેશ બારોટ ઉપરાંત ધરમશી દેસાઈ, દીપક પંચાલ અને રાજુ ઠાકોરના નામો ચર્ચામાં હતા.
ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જાહેર
અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ અને AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પાલડીના જૈનિક વકીલ, સરદાર પટેલ સ્ટેડિયમના રાકેશ પરીખ અને નિકોલના પરેશ લાખાણીના નામો પણ મજબૂત દાવેદાર તરીકે ચર્ચામાં હતા.
આ ઉપરાંત, શાહીબાગ વોર્ડના કોર્પોરેટર જશુ ઠાકોરને શાસક પક્ષના નેતા તરીકે અને અતુલ મિશ્રાને દંડક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ભાજપ મેન્ડેટ અને કવર પ્રક્રિયા
શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓ માટે નામોના કવર લઈને દાણાપીઠ સ્થિત AMC મુખ્ય ઓફિસે પહોંચ્યા હતા. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાની (AMC) સામાન્ય સભામાં આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય હોદ્દેદારોની પણ જાહેરાત થઈ છે.
અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. pic.twitter.com/oAOVfJP5an
— BJP Karnavati Mahanagar (@BJP4Karnavati) May 26, 2026
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ ભવનમાં ગૌરવભરી ક્ષણ: પદ્મ પુરસ્કારોમાં ગુજરાતનો દબદબો, 5 મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડ
કોર્પોરેટરોની એન્ટ્રી બની આકર્ષણનું કેન્દ્ર
નવા હોદ્દેદારોની નિમણૂક વેળાએ અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટરોની એન્ટ્રી પણ ખાસ ચર્ચાનો વિષય બની હતી. જોધપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર ભાગ્યેશ પટેલ અને વિનોદ પટેલ સહિત મોટાભાગના કોર્પોરેટરો AMTS બસમાં મુસાફરી કરીને AMC ઓફિસ પહોંચ્યા હતા. જ્યારે બીજી તરફ, વેજલપુર વોર્ડના મહિલા કોર્પોરેટર જુલી ચૌહાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'ઇંધણ બચત' ની અપીલને અનુસરીને સાઇકલ પર અમાદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસે આવ્યા હતા.
