Kankaria Lake Garba: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી શનિવારે કાંકરિયા તળાવ પરિસરમાં શહેરીજનો માટે એક અનોખા અને સર્વસમાવેશી ગરબામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયાના ઇતિહાસમાં આ પ્રકારનો પહેલો પ્રયોગ છે, જેમાં શહેરના 1 હજાર દિવ્યાંગ બાળકો અને નાગરિકો સામાન્ય લોકો સાથે ગરબે ઘૂમશે. જો આ એક દિવસીય પ્રયોગ સફળ રહેશે, તો આગામી વર્ષથી નવરાત્રિના નવેય દિવસ કાંકરિયા ખાતે સત્તાવાર રીતે ગરબોત્સવ યોજવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજના છે.
8 વિશાળ LED સ્ક્રીન
કાંકરિયાની ચારે તરફ આયોજિત આ ઉત્સવમાં ખેલૈયાઓ સરળતાથી તાલ મિલાવી શકશે માટે પરિસરમાં 8 વિશાળ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવશે. મોટા રાઉન્ડ ઉપરાંત પરિવારો અને મિત્રો પોતાના નાના નાના ગ્રુપમાં ગરબા રમી શકે તેવી વિશેષ વ્યવસ્થા મનપાએ ગોઠવી છે. તેની સાથે જ મુલાકાતીઓ માટે સ્વચ્છ ફૂડ સ્ટોલ્સ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે
કાંકરિયા કાર્નિવલની જેમ સર્વસમાવેશી ઉત્સવ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે,
કાંકરિયામાં પ્રથમ વખત સર્વસમાવેશી ગરબાનું આયોજન કરાયું છે. આ આયોજન સફળ રહેશે તો આવતા વર્ષે નવ દિવસ માટે આ અંગે વિચારાશે, જેથી અમદાવાદના લોકોને એક શ્રેષ્ઠ પબ્લિક સ્પેસમાં ગરબા રમવાની તક મળશે.
જાણીતા લોકગાયકો બોલાવશે ગરબાની રમઝટ
ગુજરાતના 4 જાણીતા લોકગાયકો પોતાની ટીમ સાથે પરંપરાગત ગરબાની રમઝટ બોલાવશે. ભીડ નિયંત્રણ માટે ચોક્કસ ગેટથી જ પ્રવેશ આપવામાં આવશે અને કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગ સહિત નિયુક્ત સ્થળોએ વાહન પાર્કિંગ સુવિધા રહેશે. સમગ્ર પરિસરમાં સીસીટીવી સર્વેલન્સ, સિક્યુરિટી ગાર્ડ્સ, પૂરતી લાઈટિંગ, તળાવ સુરક્ષા માટે રેસ્ક્યુ બોટ અને સ્ટેન્ડબાય મેડિકલ ટીમ તૈનાત રહેશે.
