અમદાવાદના મુસાફરો ધ્યાન આપે! કાલુપુર રેલવે સ્ટેશનનું પાર્કિંગ બદલાયું, એલિવેટેડ રોડ પણ બંધ

કાલુપુર રેલવે સ્ટેશનનો એલિવેટેડ રોડ બંધ કરી દેવામાં આવતા મુસાફરોએ હવે સાઉથ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનો ઉપયોગ કરવો પડશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 23 Nov 2026 11:22 PM (IST)Updated: Mon, 23 Nov 2026 11:57 PM (IST)
ahmedabad-kalupur-railway-station-parking-change-south-mmth-sachana-crossing-closure

Ahmedabad Railway News: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને ધ્યાને રાખીને મુસાફરોની અવરજવર અને વાહનોના પાર્કિંગની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પરિસરમાં આવેલો એલિવેટેડ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આ રોડની બાજુમાં અગાઉ ઉપલબ્ધ પાર્કિંગની સુવિધા હવે સાઉથ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (South MMTH) ખાતે ખસેડવામાં આવી છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે સ્ટેશન પરિસરમાં આવેલા એલિવેટેડ રોડને બંધ કરવામાં આવ્યો છે. આ રોડ બંધ રાખવાનું મુખ્ય કારણ નોર્થ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનું (North MMTH) નિર્માણ કાર્ય છે. એલિવેટેડ રોડની બાજુમાં અગાઉ વાહનો માટે ઉપલબ્ધ પાર્કિંગની વ્યવસ્થા પણ ખસેડવામાં આવી છે. હવે મુસાફરો અને વાહનચાલકોએ પાર્કિંગ માટે સાઉથ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનો (South MMTH) ઉપયોગ કરવાનો રહેશે.

મુસાફરો અને વાહનચાલકો માટે વિશેષ સૂચના

કાળુપુર રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો અને વાહન માલિકોને નવી પાર્કિગ વ્યવસ્થાનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ ચાલુ હોવાથી મુસાફરોને વાહન પાર્ક કરવા માટે સાઉથ MMTH તરફ જવું પડશે. નોર્થ MMTH નું નિર્માણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્ટેશન પરિસરની અવરજવર અને પાર્કિંગ વ્યવસ્થામાં ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરોએ આયોજન કરવું જરૂરી છે.

સાચાણા રેલવે લેવલ ક્રોસિંગ 6 દિવસ માટે બંધ

બીજી તરફ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં જખવાડા અને વિરોચનનગર સ્ટેશન વચ્ચે આવેલું સાચાણા રેલવે લેવલ ક્રોસિંગ સમારકામ અને જાળવણીના કામ માટે બંધ રાખવામાં આવશે. આ ક્રોસિંગ 24 નવેમ્બરના રોજ સવારે 8:00 વાગ્યાથી 29 નવેમ્બરના રોજ રાત્રે 8:00 વાગ્યા સુધી બંધ રહેશે.

ભારે અને હળવા વાહનો માટે વૈકલ્પિક માર્ગ

સાચાણા રેલવે ક્રોસિંગ બંધ રહેવાના સમયગાળા દરમિયાન વાહનચાલકોની અવરજવર માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • ભારે વાહનો: સોકલી અને ખોડા રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરી શકશે.
  • હળવા વાહનો: વિરોચનનગર રેલવે ક્રોસિંગ પરથી પસાર થઈ શકશે.

આથી આ માર્ગ પરથી અવરજવર કરતા વાહનચાલકોએ 24 નવેમ્બરથી 29 નવેમ્બર, 2026 દરમિયાન ક્રોસિંગ બંધ રહેવાની બાબત ધ્યાનમાં રાખીને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.