Ahmedabad News: અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન (FIA) દ્વારા અમદાવાદમાં દિવ્યાંગ બાળકો માટે 'જોય ઓફ ગિવિંગ' નામનો એક અત્યંત માનવીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદેશ્ય દિવ્યાંગ બાળકોની ગતિશીલતા અને સ્વતંત્રતામાં વધારો કરી તેમને ગરિમાપૂર્ણ જીવન પ્રદાન કરવાનો છે.
દિવ્યાંગ બાળકો માટે આયોજિત કાર્યક્રમ 'જોય ઓફ ગિવિંગ'
અમેરિકાની સંસ્થા FIA દ્વારા આ કાર્યક્રમ 29 ડિસેમ્બર, સોમવારના રોજ બપોરે 3:00 વાગ્યે આયોજિત કરવામાં આવ્યો છે. આ સખાવતી પહેલ અંતર્ગત અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અપંગ માનવ મંડળ ખાતે ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને વ્હીલચેરનું દાન કરવામાં આવ્યું. આ પ્રસંગે FIA ચેરમેન અંકુર વૈદ્ય અને પ્રેસિડેન્ટ શ્રીકાંત અક્કાપલ્લી ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા.

જરૂરિયાતમંદ બાળકોને કુલ 100 વ્હીલચેર અર્પણ કરી
ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન (FIA) ના આ માનવતાવાદી પ્રયાસના ભાગરૂપે જરૂરિયાતમંદ બાળકોને કુલ 100 વ્હીલચેરનું અર્પણ કરવામાં આવ્યું. જેનો મુખ્ય હેતુ તેમની ગતિશીલતા અને સ્વતંત્રતામાં વધારો કરી તેમને ગરિમાપૂર્ણ જીવન પ્રદાન કરવાનો છે. દરેક બાળકને આગળ વધવાનો અધિકાર છે, તેવા ઉમદા સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિમાં વધુ સારી રીતે ભાગ લઈ શકે તે માટેના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન (FIA) શું છે?
FIA ના નેતૃત્વએ જણાવ્યું હતું કે આવા પ્રકારની પહેલ સંસ્થાના કરુણા, સર્વસમાવેશકતા અને માનવતા પ્રત્યેના મુખ્ય મૂલ્યોને મજબૂત બનાવે છે. ભારત અને અમેરિકા બંને દેશોમાં સેવા અને પરોપકારની આ સંસ્થાની લાંબી પરંપરા રહી છે. વર્ષ 1970 માં સ્થપાયેલી આ સંસ્થા અમેરિકાના પૂર્વ કિનારાના 8 રાજ્યોમાં ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સૌથી મોટી સંસ્થા છે.
સંસ્થાના નામે 2 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ
આ સંસ્થા સંપૂર્ણપણે સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવે છે અને તેની નોંધ યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસનલ રેકોર્ડમાં પણ લેવામાં આવી છે. આ ઉપરાંત, સંસ્થાને ભારત સરકારના પ્રતિષ્ઠિત 'પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવી છે અને તેણે અત્યાર સુધીમાં 2 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records) પણ સ્થાપિત કર્યા છે.
