Aarti Sangani-Devang Gohel Marriage Controversy: ગુજરાતી લોકસંગીતના ક્ષેત્રમાં પ્રસિદ્ધ તબલા વાદક દેવાંગ ગોહેલ મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલના રહેવાસી છે. તે ગુજરાતી લોક ડાયરા અને કાર્યક્રમોમાં તબલા વગાડીને જાણીતા છે. ગીતા રબારી, હકાભા ગઢવી, દેવાયત ખવડ, જીજ્ઞેશ કવિરાજ જેવા જાણીતા ગાયકોના ડાયરામાં તેમણે તબલા વગાડ્યા છે. તેમના તબલા સોલો અને બેન્જો સાથેના જુગલબંધીના વીડિયો યુટ્યૂબ પર લોકપ્રિય છે.
સિંગર આરતી સાથે પ્રેમ લગ્ન કર્યા
હાલમાં દેવાંગ ગોહેલ ચર્ચાના કેન્દ્રમાં છે કારણ કે તેમણે 16 ડિસેમ્બર 2025ના રોજ સુરતની જાણીતી ગુજરાતી લોકગાયિકા આરતી સાંગાણી (પાટીદાર સમાજની) સાથે પ્રેમલગ્ન કર્યા છે. આ આંતરજ્ઞાતિય લગ્નને લઈને પાટીદાર સમાજમાં તીવ્ર વિરોધ થયો છે. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ, બહિષ્કારની માંગ અને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે અને માતા-પિતાની સંમતિનું મહત્વ ભારપૂર્વક જણાવ્યું છે.

વાલ્મિકી સમાજે ટેકો આપ્યો
બીજી તરફ, વાલ્મિકી સમાજના આગેવાન ઉમંગ વાઘેલાએ દેવાંગ ગોહેલને પૂરો ટેકો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, "આમાં રાજકારણ ન લાવો. વાલ્મિકી સમાજની દીકરી પટેલ સમાજમાં જાય તો સ્વીકારાય, પરંતુ પટેલ સમાજની દીકરી વાલ્મિકી સમાજમાં આવે તો શું વાંધો છે?"
આરતી સાંગાણીની ભાવુક પોસ્ટ
આરતી સાંગાણીએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી કહ્યું છે કે શું પ્રેમ કરવો ગુનો છે. આરતી સાંગાણી(Aarti Sangani)એ ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે અને જણાવ્યું છે કે, મે કોઇ વિશ્વાસઘાત નથી કર્યો. મે બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા એ શું મારો વાંક છે. શું એક દિકરી પોતાની મરજીથી લગ્ન પણ ન કરી શકે. જો મે પાટીદાર સમાજના દીકરા સાથે લગ્ન કર્યા હોત અને એ મને હેરાન કરત તો શું સમાજ આવત? હું આજે કદાચ કોઈ પણ પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉં તો શું લોકો જવાબદારી લેશે? એ બધા જવાબ સમાજ પૂરા પાડશે?

આરતી સાંગાણીના પિતાનો વીડિયો
આરતીના પિતા સંજયભાઈ સાંગાણીએ ભીની આંખે વીડિયોમાં અપીલ કરી છે કે, આરતી સમજીને ઘરે પરત ફરે અને પોતાની ભૂલ સુધારી લે. આખરે આ વિવાદનો અંત આવવો જોઈએ. સમાજ પણ દીકરીની ભૂલ માફ કરવાની ઈચ્છા રાખે છે. તારા (આરતી) જે પણ સપના છે, તેને પુરા કરવા માટે હું સક્ષમ છું. તે મને વિશ્વાસ અપાવ્યો હતો કે, હું તમારો દીકરો જ છું. હું હજુ પણ તને દીકરા તરીકે જ અપનાવવા માટે તૈયાર છું.
