Ahmedabad: પાણી પુરવઠાને સુદૃઢ બનાવવા AMCની કામગીરી, વેજલપુર અને નવા રાણીપમાં પાણીની સમસ્યાનો આવશે અંત

આ કામગીરીથી વેજલપુર અને નવા રાણીપના નાગરિકોને પાણી લીકેજ અને પાણી પુરવઠાની સમસ્યામાંથી છુટકારો મળશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 10 Aug 2026 03:52 PM (IST)Updated: Mon, 10 Aug 2026 03:52 PM (IST)
ahmedabad-jaspur-water-treatment-plant-shutdown-vejalpur-ranip-amc-water-project
AI Generated Image

Ahmedabad Water Projects: અમદાવાદના જાસપુર જળ શુદ્ધિકરણ મથક ખાતે ટેક્નિકલ કારણોસર લેવામાં આવેલા શટડાઉનનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સદુપયોગ કરવામાં આવ્યો છે. વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા આ સમયગાળા દરમિયાન શહેરમાં વેજલપુર અને નવા રાણીપ વિસ્તારમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે બે મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે.

વેજલપુરમાં લીકેજની સમસ્યાનો કાયમી ઉકેલ

દક્ષિણ-પશ્ચિમ ઝોનના વેજલપુર વોર્ડમાં લાંબા સમયથી નાગરિકોને પાણીના લીકેજની સમસ્યા સતાવી રહી હતી. બુટભવાની મંદિર રોડ પર આવેલી જૂની HDPE પાણીની લાઈનમાં વારંવાર થતા લીકેજને દૂર કરવા માટે AMC એ તેને બદલીને નવી D.I. લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરી છે. આ શટડાઉન દરમિયાન નવી લાઈનને હયાત લાઈન સાથે જોડવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેથી આ વિસ્તારના રહીશોને વારંવાર થતી હાલાકીમાંથી કાયમી રાહત મળશે.

નવા રાણીપમાં નવી ફીડર લાઈનનું જોડાણ

બીજી તરફ, પશ્ચિમ ઝોનમાં નવા રાણીપ ખાતે પણ TP 66/A ખાતે નિર્માણ પામી રહેલા નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનને જાસપુર પ્લાન્ટમાંથી સીધું પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ માટે નવી નાખવામાં આવેલી ફીડર લાઈનને 1000 મીમી વ્યાસની એમ.એસ.ટ્રન્ક મેઈન સાથે જોડવામાં આવી રહી છે. આ જોડાણ બાદ નવા રાણીપ વિસ્તારમાં પાણીના પ્રેશર અને પુરવઠામાં નોંધપાત્ર સુધારો થશે.

ભવિષ્યમાં શટડાઉનની જરૂરિયાત ઘટશે

AMC અધિકારીઓના જણાવ્યા મુજબ, જાસપુર પ્લાન્ટના એક જ શટડાઉન દરમિયાન આ બંને મહત્વના કામો પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. એકસાથે કામગીરી પૂર્ણ કરવાના આયોજનને કારણે ભવિષ્યમાં આ પ્રોજેક્ટ્સ માટે અલગથી શટડાઉન લેવાની જરૂરિયાત રહેશે નહીં, જે નાગરિકો માટે અનુકૂળ રહેશે. આ આધુનિકીકરણથી શહેરના સંબંધિત વિસ્તારોમાં પાણી પુરવઠા અંગે થતી નાની-મોટી મુશ્કેલીઓનો અંત આવશે.