Isanpur Public School Incident: અમદાવાદની વધુ એક શાળામાં બાળકો વચ્ચે મારામારી અને ગંભીર ઈજાનો બનાવ સામે આવ્યો છે. શહેરના નારોલ-વટવા રોડ પર આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં આ બનાવ બન્યો છે. જેમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એક 14 વર્ષીય વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘૂસાડી દેવામાં આવ્યું છે.
ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થી પર હુમલો
આ પણ વાંચો
આ ઘટના 20 એપ્રિલના રોજ સવારે 11:30 વાગ્યે બની હતી, જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને છૂટ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ, પીડિત વિદ્યાર્થીના એક મિત્રને અન્ય એક વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ ગઈ હતી. જ્યારે 14 વર્ષીય સગીર પોતાના મિત્રનો ઝઘડો છોડાવવા માટે વચ્ચે પડ્યો, ત્યારે ઉશ્કેરાયેલા અન્ય વિદ્યાર્થીએ અચાનક જ પોતાની પાસે રહેલું પરિકર કાઢીને તેની આંખમાં મારી દીધું હતું.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની આંખનું ઓપરેશન
વિદ્યાર્થીને આંખમાં પરિકર વાગતા જ સ્કૂલ કેમ્પસમાં ભારે દોડધામ મચી ગઈ અને તાત્કાલિક શિક્ષકોને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને પહેલા સારવાર માટે એલજી LG હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું છે.
આ બનાવ અંગે વિદ્યાર્થીના માતા-પિતાને પણ જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીની માતાના જણાવ્યા અનુસાર, હુમલાખોર વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં બેન્ચ પર ચડીને તેમના પુત્રની આંખમાં પરિકર માર્યું હતું, જેના કારણે આંખના ઉપરના અને અંદરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. માતાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઝઘડો એક છોકરી બાબતે થયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે, જોકે ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો: લવમેરેજ વિવાદ: અલ્પેશ ઠાકોરના પરિવારે આક્ષેપોને નકાર્યા, કહ્યું- 'કાજલ પિયરમાં જવા તૈયાર નથી'
પોલીસમાં ફરિયાદ-શિક્ષણ સમિતિની તપાસ
આ ગંભીર ઘટના બાદ વિદ્યાર્થીના પિતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં હુમલાખોર વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નારોલ પોલીસ સ્ટેશનના PI જે.બી. અગ્રાવતે પુષ્ટિ કરી છે કે, આ ઘટના ક્લાસરૂમની અંદર જ બની હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, અને અમે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈએ આ ઘટના અંગે દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારી-1 અને ઇન્ચાર્જ આચાર્ય લક્ષ્મીબેન શર્મા પાસેથી પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે. શાસનાધિકારીના દાવા મુજબ આ ઘટના ક્લાસરૂમમાં નહીં પરંતુ કેમ્પસની બહાર બની હોઈ શકે છે. જોકે, મદદનીશ શાસન અધિકારી અને પોલીસની સંયુક્ત તપાસ બાદ જ સંપૂર્ણ સત્ય બહાર આવશે.
