Ahmedabad: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયા (ITPI) દ્વારા આયોજિત 74મી નેશનલ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સ કોન્ફરન્સ(NTCP)નું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.
આગામી 8 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ ત્રણ દિવસની ઈવેન્ટમાં ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) ના સચિવ કે. શ્રીનિવાસે જણાવ્યું હતું કે, ભારતમાં શહેરી આયોજનમાં શહેરની સીમાઓથી આગળ વધીને પબ્લિક, પ્રોડક્ટિવિટી અને સમય પર ફોકસ સાથે ક્વોલિટી ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
શહેરીકરણને હવે આર્થિક વિકાસ માટે એક સકારાત્મક બળ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે, જેમાં ટાઉન પ્લાનર(નગર આયોજકો) ભારતની વિકાસ ગાથામાં મુખ્ય સ્ટેકહોલ્ડર્સ(હિસ્સેદાર) તરીકે ઉભરી રહ્યા છે.
હવે શહેરોને ફક્ત કિલોમીટરમાં ડિઝાઇન કરવા પૂરતા નથી. હવે લોકલ લેવલ પર ડિઝાઇન કરવાની, લોકો માટે ડિઝાઇન કરવાની અને સૌથી અગત્યનું, સમયને ધ્યાનમાં લઈને ડિઝાઇન કરવાની જરૂરત છે. શહેરી વિસ્તારોમાં, સમયની બચત પ્રોડક્ટિવિટી નક્કી કરે છે, પછી ભલે તે મોબિલિટી, રહેઠાણ, શિક્ષણ અથવા સર્વિસની ઍક્સેસમાં હોય.
આગામી સમયમાં આવનારા પડકારો વિશે વાત કરતાં શ્રીનિવાસે જણાવ્યું હતું કે, આગામી દાયકાઓ માં ભારતની શહેરી વસ્તીમાં 35 થી 40 કરોડ લોકોનો ઉમેરો થવાની સંભાવના છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં શહેરી વિકાસને હાલમાં પણ નબળા મ્યુનિસિપલ નાણાકીય ખર્ચ, જીવનનિર્વાહના સતત વધતા ખર્ચ, અપૂરતા હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ શહેરી આયોજન અને આર્થિક આયોજન વચ્ચે સતત અંતર, તાલમેલનો અભાવ જેવા સ્ટ્રકચરલ(માળખાકીય) મુદ્દાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આયોજકોને ઘણીવાર ગેટકીપર(દ્વારપાલ) તરીકે જોવામાં આવે છે. આજના સમયની જરૂરિયાત છે કે, તેઓ વિકાસમાં સુવિધા આપનાર અને ચાલક બને. તેમણે શહેરી માળખાગત સુવિધાઓમાં જાહેર રોકાણ અને તેની આર્થિક અસર વચ્ચે વધુ સુસંગતતા લાવવાની અપીલ કરી હતી.
આ પહેલાં, ITPI ના પેટ્રન અને પૂર્વ પ્રમુખ એન.કે. પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત 13 વર્ષ પછી પ્લાનિંગ (આયોજન) વ્યવસાયને આગળ વધારવા માટે સમાન ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સાથે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે.
“Proactive Regional Planning and Development to Usher Viksit Bharat” થીમ પર આયોજીત, આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં દેશભરમાંથી લગભગ 500 સહભાગીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રથમ દિવસે મુખ્ય ચર્ચા, રેપિડ ટ્રાંસિટ કોરિડોર અને મેટ્રો શહેરોના આર્થિક વિકાસ માટે રીજીયોનલ પ્લાનિંગ માટે પ્લાનિંગ અને ડેવલપમેન્ટના અભિગમો પર કેન્દ્રિત હતી.
ITPI ના પ્રમુખ પ્રદીપ કપૂરે શહેર-કેન્દ્રિત માસ્ટર પ્લાનથી આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
કોઈપણ શહેર એકલું ડેવલપ થઈ શકતું નથી. જો આપણે ઝડપી શહેરીકરણનું સંચાલન કરવું હોય અને સંતુલિત વિકાસ તરફ આગળ વધવું હોય, તો રીજીયોનલ પ્લાનિંગને કેન્દ્ર સ્થાને રાખવું જોઈએ, ખાસ કરીને એ માટે કેમકે, ભારત 2030 પહેલા 40% શહેરીકરણની નજીક પહોંચી રહ્યું છે."
અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર કેશવ વર્માએ યુવા પ્લાનર્સને શહેરી યોદ્ધાઓ તરીકે કાર્ય કરવા અને વિઝન-સંચાલિત અભિગમ અપનાવવાનો આગ્રહ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, હંમેશાંની જેમ ચાલતા પ્લાનિંગે બિનકાર્યક્ષમ અને બિનઆરોગ્યપ્રદ શહેરો બનાવ્યા છે. જીવનની ગુણવત્તા, ટકાઉપણું, હરિયાળી જગ્યાઓ અને લોકોની ભાગીદારી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ વિચારો અને પરિમાણ બદલવા પડશે. સારું અર્બન પ્લાનિંગ(શહેરી આયોજન) એ સારું અર્થતંત્ર પણ છે.
શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ છેલ્લા બે દાયકામાં રાજ્યના શહેરી પરિવર્તન વિશે વાત કરી હતી અને છેલ્લા ત્રણ વર્ષમાં 225 થી વધુ ટાઉન પ્લાનિંગ(નગર આયોજન) યોજનાઓને મંજૂરી આપવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આયોજકોને શહેરોને કોંક્રિટ-પ્રભુત્વવાળી જગ્યાઓને બદલે રહેવા યોગ્ય તેમજ બધાના સમર્થન સાથેના એક હબ તરીકે વિકસાવવાની અપીલ કરી હતી.
કોન્ફરન્સના બીજા દિવસે ગ્લોબલ ઈવેન્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, શિક્ષણ અને વ્યવહારમાં આબોહવા સાક્ષરતા, સસ્ટેનેબલ પ્લાનિંગ અને મેનેજમેન્ટ માટે AI એપ્લિકેશન અને ગુજરાતમાં 100 વર્ષની ટાઉન પ્લાનિંગ યોજનાઓમાંથી શીખેલા પાઠ પર સત્રોનો સમાવેશ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
