Ahmedabad hit and run: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સોમવારે હિટ એન્ડ રન (Hit and run) નો એક બનાવ નોંધાયો છે. નારણપુરા વિસ્તારમાં ભાવિન ચાર રસ્તા પાસે રોંગ સાઇડમાં આવેલા એક કાર ચાલકે અકસ્માત સર્જી ત્રણ વાહનોને ટક્કર મારી હતી. આ બનાવમાં એક એક્ટિવા ચાલકને ઈજા પહોંચી હતી. જોકે, ચમત્કારિક રીત મોટી જાનહાની ટળી હતી.
એક્ટિવાચાલકને અડફેટે લીધો, રિક્ષા અને કારને મારી ટક્કર
અંગે મળતી માહિતી અનુસાર આ બનાવ ગઈકાલ સોમવારે સાંજના સમયે નારણપુરાના ભાવિન ચાર રસ્તા ખાતે સર્જાયો હતો. અહીં એક કાર પૂરઝડપે રોંગ સાઈડમાં આવી રહી હતી. કારચાલકે ચાર રસ્તા પાસે પહોંચતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જે બાદ ચાર રસ્તા પર એક એક્ટિવા અને રિક્ષાને અડફેટે લીધા હતા. આગળ જતા અન્ય કારને પણ ટક્કર મારી હતી.
અકસ્માતના વિચલિત કરતા CCTV ફૂટેજ
આ અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. કારચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે કાર દોડાવતો આવતો CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. જે બાદમાં આગળ જતા ભાવિન ચાર રસ્તા પાસે એક રિક્ષા, એક્ટિવા અને આગળ જતા અન્ય એક કારને ટક્કર મારે છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
મોટી જાનહાની ટળી, કારચાલકની શોધખોળ શરૂ
આ ટક્કર વાગતાં એક્ટિવાચાલક એક્ટિવા પરથી નીચે પડી ગયો હતો. જ્યારે રિક્ષાને ટક્કર વાગતાં રિક્ષાની દિશા પણ બદલાઈ ગઈ હતી. આ સમગ્ર અકસ્માતના CCTV ફૂટેજ (CCTV footage) સામે આવ્યા છે, જેમાં પૂરઝડપે આવી રહેલા કારચાલક દેખાઈ રહ્યો છે. સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાની થતા ટળી હતી. આ અકસ્માત અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે (B Division Traffic Police) CCTV ફૂટેજના આધારે કારચાલકને ઓળખવાની અને આગળની તપાસ શરૂ કરી છે.
