PM Awas Yojana Gujarat: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા મકાનોમાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ મકાનોમાં મૂળ માલિકને બદલે અન્ય લોકો અથવા ભાડુઆતો રહેતા હોવાનું તપાસમાં બહાર આવતા એસ્ટેટ વિભાગે મકાનો સીલ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. અત્યાર સુધીમાં 46 મકાનો સીલ કરી દેવામાં આવ્યા છે અને આગામી 15 દિવસમાં વધુ 380 મકાનોને તાળા મારી દેવામાં આવશે.
નિયમભંગ કરનારાઓને નોટિસ છતાં બેદરકારી
હાઉસિંગ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન મુકેશ પટેલે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, આવાસ યોજનાના મકાનો જરૂરિયાતમંદોને રહેવા માટે આપવામાં આવે છે, નહીં કે ભાડે આપીને કમાણી કરવા માટે. એસ્ટેટ વિભાગના ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઘણા મૂળ માલિકોએ મકાનો ભાડે આપી દીધા છે અથવા અન્ય લોકોને રહેવા માટે સોંપી દીધા છે. આવા રહીશોને અગાઉ મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે તેની કોઈ દરકાર લીધી નહોતી. જેના પરિણામે હવે કોર્પોરેશન દ્વારા મકાનો સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અધિકારીઓ સામે પણ ખાતાકીય પગલાંની ચીમકી
આજે મળેલી કમિટીની બેઠકમાં સૂચના આપવામાં આવી છે કે એક પણ હાઉસિંગ સ્કીમમાં ખોટી રીતે રહેતા રહીશોને ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ અધિકારી આ કામગીરીમાં ઢીલી નીતિ અપનાવશે અથવા મકાનો ખાલી કરાવવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે પણ કડક ખાતાકીય પગલાં લેવામાં આવશે. તંત્રનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે આવાસ યોજનાનો લાભ માત્ર તેવા જ લોકોને મળવો જોઈએ જેમની પાસે પોતાનું ઘર નથી.
ભાડુઆતો કોઈપણ ભોગે નહીં ચલાવાય
મ્યુનિસિપલ કોર્પોરેશનના આ કડક વલણને કારણે આવાસ યોજનાના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચેરમેને સ્પષ્ટ કર્યું છે કે આવાસ યોજનાના મકાનોમાં ભાડુઆત રાખવો એ નિયમોનું ઉલ્લંઘન છે. જે લોકોએ આ મકાનો રોકાણના હેતુથી રાખ્યા છે અથવા અન્યને રહેવા આપ્યા છે તેમની પાસેથી પઝેશન પાછું ખેંચી લેવામાં આવશે. આગામી દિવસોમાં શહેરના તમામ વિસ્તારોમાં આવેલી આવાસ યોજનાઓમાં આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.
ભાવનગરમાં પણ મકાનો સીલ કરાયા
ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર ભાડુઆત રાખવાના મામલે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. સુભાષનગર હમીરજી પાર્ક ખાતે આવેલ ફાઇનલ પ્લોટ નંબર 29માં કરાયેલા ચેકિંગમાં 120 મકાનોમાં ભાડુઆતો રહેતા હોવાનું બહાર આવ્યું હતું. ભાડુઆતોને મકાન ખાલી કરવા નોટિસ આપ્યા બાદ 74 લાભાર્થીઓએ NOC આપી મકાન ખાલી કરાવ્યા છે. જ્યારે બાકીના 46 મકાનધારકો દ્વારા કોઈ બાહેનધરી ન આપતા મહાનગરપાલિકાએ તે મકાનો સીલ કરી દીધા છે. નિયમ ભંગ કરનારાઓ સામે હવે પેનલ્ટી સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવશે.
