ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષ 2026 માટે બીએ, બીએસસી, બીકોમ, એમકોમ અને એમએસસી જેવા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાના બીજા તબક્કાની શરુઆત કરાઈ છે. જેમાં પહેલા તબક્કાની એડમિશન પ્રોસેસ પૂરી થયા પછી વિવિધ અભ્યાસક્રમોની કુલ 369 બેઠકો ખાલી રહી ગઈ હતી. જે બેઠકો ભરવા માટે 23 મેના રોજ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરાયું છે.
UG-PG કોર્સમાં પ્રવેશની બીજી તક
બીજા તબક્કામાં યુજી અને પીજી કોર્સમાં પ્રવેશ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. બીજા તબક્કે અંદાજિત 250થી વધારે છાત્રો અમદાવાદ કેન્દ્ર પરથી પરીક્ષા આપવાના છે. જેથી ખાલી સીટો ભરાઈ શકે તેમજ શૈક્ષણિક સત્ર વહેલી તકે શરુ કરવામાં આવે તે માટે ગુજરાત વિદ્યાપીઠે આ નિર્ણય લીધો છે. તેમજ ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ પરીક્ષાના પરિણામના આધારે જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષ 2026 ના યુજી પીજી પ્રવેશ પ્રક્રિયામાં બીજા રાઉન્ડ બાદ પણ કેટલીક બેઠકો ખાલી રહેવાની સંભાવના છે.
628 વિદ્યાર્થીઓએ લીધુ એડમિશન
પ્રથમ તબક્કાની એડમિશન પ્રોસેસમાં કુલ 1246 બેઠકો જાહેર કરાઈ હતી. આ બેઠકો પર એડમિશન માટે ગુજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એન્ડ એડમિશન ટેસ્ટ લેવાઈ હતી. આ પરીક્ષામાં 900થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 875 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા તબક્કામાં ખાલી 628 વિદ્યાર્થીઓએ ફી ભરીને પોતાનો પ્રવેશ સુનિશ્ચિત કર્યો હતો.
369 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયાનું આયોજન
વિદ્યાપીઠમાં વિવિધ વિદ્યાશાખાઓમાં કુલ 369 બેઠકો ખાલી રહેતા હવે તેને ભરવા માટે બીજા તબક્કાની પરીક્ષા યોજાઈ રહી છે. વિદ્યાપીઠમાં ચાલતા વિવિધ કોર્સ અનુસાર, પીજી લેવલના 20 કોર્સ માટે 690 બેઠકો, યુજી લેવલના 8 કોર્સ માટે 270 બેઠકો, પીજી ડિપ્લોમાના એક કોર્સ માટે 20 બેઠકો અને PHDના 16 સબ્જેક્ટ્સ માટે 66 બેઠકોનો સમાવેશ થતો હતો. જેતથી કુલ 48 શૈક્ષણિક પ્રોગ્રામો માટે પ્રવેશ પ્રક્રિયા શરુ કરાઈ હતી.
