Gujarat Science City Ahmedabad: દિવાળીના વેકેશન દરમિયાન અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહી છે. ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ અંદાજે 12થી 15 હજાર મુલાકાતીઓ સાયન્સ સિટીની મુલાકાત લઈ રહ્યા છે. બાળકો, યુવાનો, પરિવારો અને વિજ્ઞાનપ્રેમીઓ અહીં વિજ્ઞાન, ટેક્નોલોજી, શિક્ષણ અને મનોરંજનના અનોખા સમન્વયનો આનંદ માણી રહ્યા છે.
સાયન્સ સિટીમાં જ્ઞાન સાથે મનોરંજનનો અનુભવ
વિજ્ઞાન અને મનોરંજનના અનોખા સંગમ સમાન ગુજરાત સાયન્સ સિટી ખાતે મુલાકાતીઓને એક જ સ્થળે જ્ઞાન સાથે મનોરંજનનો યાદગાર અનુભવ મળી રહ્યો છે. એક્વેટિક ગેલેરીમાં શાર્ક અને પેંગ્વિન સહિતના અદ્ભુત જળચર જીવોને નજીકથી નિહાળવાથી લઈને રોબોટિક્સ ગેલેરી, સ્પેસ ગેલેરી અને અન્ય આકર્ષણો સુધી, દરેક જગ્યાએ મુલાકાતીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મુલાકાતીઓને ધ્યાને લેતાં વિશેષ વ્યવસ્થા
દિવાળીના વેકેશન દરમિયાન મુલાકાતીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ સિટી (GCSC) દ્વારા મુલાકાતીઓની સુવિધા અને સુવ્યવસ્થિત સંચાલન માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને ઓનલાઈન ટિકિટ બુકિંગની વ્યવસ્થાને વધુ સુગમ બનાવવામાં આવી છે, જેથી મુલાકાતીઓ અગાઉથી ટિકિટ બુક કરીને લાંબી કતારો અને બિનજરૂરી રાહ જોવાની અસુવિધાથી બચી શકે. આ ઉપરાંત પ્રવેશ વ્યવસ્થા, મુલાકાતીઓનું માર્ગદર્શન, સુરક્ષા, પાર્કિંગ અને અન્ય આવશ્યક સુવિધાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
બાળકો માટે દિવાળી વેકેશન બન્યું યાદગાર
ગુજરાત સાયન્સ સિટીનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાનને માત્ર પુસ્તકો અને પ્રયોગશાળાઓ પૂરતું સીમિત ન રાખતાં તેને સામાન્ય જનજીવન સાથે જોડવાનો છે. દિવાળીના વેકેશન દરમિયાન સાયન્સ સિટી બાળકો અને પરિવારોને મનોરંજનની સાથે જિજ્ઞાસા, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન જ્ઞાન મેળવવાની પ્રેરણા પણ આપી રહી છે.
આમ, દિવાળીના વેકેશનમાં ગુજરાત સાયન્સ સિટી માત્ર ફરવાનું સ્થળ જ નહીં, પરંતુ પરિવાર સાથે યાદગાર પળો વિતાવવા અને વિજ્ઞાનની અદ્ભુત દુનિયાને નજીકથી અનુભવવાનું એક વિશેષ ડેસ્ટિનેશન બની રહી છે.
