અમદાવાદને નવા વર્ષની ભેટઃ 4 કિ.મી. લાંબો ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોર ખુલ્લો મુકાયો, સરખેજ-ગાંધીનગર હાઇવે પર ટ્રાફિક ઘટશે

સરખેજ-ગાંધીનગર હાઇવે પર સતત વધતા ટ્રાફિકના ભારણને હળવું કરવાના હેતુથી તૈયાર કરાયેલા આ કોરિડોરથી નાગરિકોને ટ્રાફિક જામની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે તેમજ સમય અને ઇંધણની પણ મોટી બચત થશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 09 Nov 2026 11:54 AM (IST)Updated: Mon, 09 Nov 2026 11:54 AM (IST)
ahmedabad-gets-new-year-gift-iskconsanand-elevated-corridor-opens-to-ease-traffic-on-sarkhejgandhinagar-highway

Ahmedabad News: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં ઈસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધીના નવનિર્મિત ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, ધારાસભ્ય અમિત ઠાકર અને બાબુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

નૂતન વર્ષના આરંભ પૂર્વે ખુલ્લો મુકાયેલો આ 6-લેન એલિવેટેડ કોરિડોર અમદાવાદના નાગરિકો અને વાહનચાલકો માટે એક ઉત્તમ ભેટ સાબિત થશે. સરખેજ-ગાંધીનગર હાઇવે પર સતત વધતા ટ્રાફિકના ભારણને હળવું કરવાના હેતુથી તૈયાર કરાયેલા આ કોરિડોરથી નાગરિકોને ટ્રાફિક જામની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે તેમજ સમય અને ઇંધણની પણ મોટી બચત થશે.

naidunia_image

આ કોરિડોર ટ્રાફિક પ્રવાહને સુગમ બનાવશે

સરખેજથી ગાંધીનગર વચ્ચેનું જોડાણ હવે સંપૂર્ણપણે અવરોધમુક્ત અને સલામત બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરખેજ ગાંધીનગર હાઈવે (રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.147) પર કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને YMCA જેવા અત્યંત વ્યસ્ત જંક્શનો પરથી પસાર થતો આ કોરિડોર ટ્રાફિક પ્રવાહને સુગમ બનાવશે. મુસાફરીનો સમય ઘટવાની સાથે વ્હીકલ ઓપરેટિંગ કોસ્ટ (VOC)માં ઘટાડો થશે, જેથી આર્થિક લાભ થશે. આ ઉપરાંત રોડ સેફ્ટીની અદ્યતન જોગવાઈઓના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને હાઇવે મુસાફરી વધુ સુરક્ષિત બનશે.

ભારત સરકારના માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા અંદાજિત રૂ. 464 કરોડના ખર્ચે તૈયાર થયેલ 4.03 કિલોમીટર લાંબો અને 26.8 મીટર પહોળો આ 6-લેન એલિવેટેડ કોરિડોર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જેમાં વાયાડક્ટ પોર્શન 2940 મીટર અને એપ્રોચની લંબાઈ 1090 મીટર છે. ફ્લાયઓવર પરથી પસાર થતા વાહનોના અવાજથી થતા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા 5880 મીટર લંબાઈમાં ખાસ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે.

naidunia_image

સુરક્ષા અને સુવિધા માટે 297 સ્ટ્રીટ લાઈટો, એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓવર હેડ અને કેન્ટિલિવર ગેન્ટ્રી, રોડ સેફ્ટી બોર્ડ્સ, કેટ આઈસ, એન્ટીગ્લેર અને 7થી 14 મીટર પહોળાઈ ધરાવતા વાઈટટોપીંગ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.

ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, સ્થાનિક કાઉન્સિલરો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.