Ahmedabad News: અમદાવાદ શહેરમાં બ્રાન્ડેડ કંપનીના મોબાઈલ ફોનની નકલી કોપી બનાવીને લોકો સાથે છેતરપિંડી આચરતા મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેરના ગીતામંદિર એસટી બસ સ્ટેશન નજીક મોબાઈલ માર્કેટમાં સેમસંગ કંપનીના બનાવટી ફોન વેચતા 14 વેપારીઓ સામે ગુનો નોંધાયો છે.
ગીતામંદિર પાસે નકલી સેમસંગ ફોન મળ્યા
મળતી માહિતી મુજબ, ગીતામંદિર એસ.ટી બસ સ્ટેશન પાસે મોબાઈલ માર્કેટમાં એલસીબી ઝોન-6 ની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 14 વેપારીઓની દુકાનો અને ગોડાઉનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને આ તપાસ દરમિયાન ગોડાઉન અને દુકાનોમાંથી સેમસંગના નકલી મોબાઇલ ફોન, ચાર્જર, બેટરી, લેપટોપ સહિતનો કુલ 7.7.270નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
14 વેપારીઓ સામે ફરિયાદ નોંધાઈ
પોલીસની તપાસમાં ખુલાસો થયો કે, ગીતામંદિર સ્ટેશન પાસેના મોબાઈલ માર્કેટના 6 રિટેલ વેપારીઓ કાલુપુર રીલીફ રોના રાજ કોમ્પ્લેક્સ અને મેટ્રો પ્લાઝાના 6 હોલસેલ વેપારીઓ પાસેથી બિલ વગરના ફોન ખરીદતા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે 6.61 લાખની કિંમતના 1034 મોબાઈલ ફોન અને 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ 14 વેપારીઓ વિરુદ્ધ કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
કાગડાપીઠ પોલીસે કરી કાર્યવાહી
કાગડાપીઠ પોલીસે ગીતામંદિર માર્કેટના રૂપારામ ચૌધરી, જીતેન્દ્ર પ્રજાપતિ, રવીન્દ્ર છીપા, દિનેશ ઘાંચી, મહેન્દ્ર મોડી, રમેશ સોલંકી સાથે કાલુપુર રિલીફ રોડના હોલસેલ વેપારીઓ કુલદીપ, રાજુ, ભઈલુ, અશોક, ગોપી, પ્રવીણ, વિવેક, દર્શન સહિતના 14 આરોપીઓ સામે ફરિયાદ નેોંધીને કાયદેસર કાર્યવાહી શરુ કરી છે.
