Ahmedabad Ganeshotsav Fire Safety Rules: આગામી પાવન પર્વ ગણેશ ચતુર્થીને અનુલક્ષીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ (AFES) અને પોલીસ વિભાગ દ્વારા ગણેશ પંડાલોની સુરક્ષા તથા ભક્તોની સલામતી અર્થે કડક ફાયર સેફ્ટી માર્ગદર્શિકા (Guidelines) જાહેર કરવામાં આવી છે.
ગણેશ પંડાલમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફાયર વિભાગ અને પોલીસની ઉચ્ચસ્તરીય સંયુક્ત બેઠક બાદ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય બનાવ કે નાસભાગ જેવી આકસ્મિક દુર્ઘટના અટકાવવા માટે દરેક ગણેશ મંડપ માટે ફાયર NOC અને પૂરતા પ્રમાણમાં માન્ય ફાયર એક્સટિંગ્વિશર રાખવું ફરજિયાત છે.
આયોજકોએ પંડાલ સ્થાપિત કરવા માટે સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી મંજૂરી મેળવવી પડશે. આ ઉપરાંત 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ફોટો નોટરી કરાવી નિયત ફોર્મેટમાં સેલ્ફ ડેક્લેરેશન ફાયર વિભાગ સમક્ષ રજૂ કરવું પડશે, જેના આધારે જ ફાયર બ્રિગેડ જે તે પંડાલને અલગથી ઓળખ કે માન્યતા આપશે. નિયમો તોડનાર આયોજકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે
સ્થળ, બેઠક વ્યવસ્થા અને ઈમરજન્સી એક્ઝિટના નિયમો
સ્થળની પસંદગી: ગણેશ પંડાલ સ્કૂલ, હોસ્પિટલ, ગોડાઉન, ભઠ્ઠી, સબ-સ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઈટેન્શન લાઈન કે રેલવે લાઈનથી દૂર અને ફાયર ફાઈટર વાહનો સરળતાથી પહોંચી શકે તેવા ખુલ્લા રસ્તા પર બાંધવો પડશે.
ઈમરજન્સી એક્ઝિટ: પંડાલમાં કોઈ કાયમી કે ફિક્સ પાર્ટીશન કરી શકાશે નહીં. કટોકટીના સમયે નીકળી શકાય તે માટે પરસ્પર વિરુદ્ધ દિશામાં 5 મીટરના ઓપનિંગ ધરાવતા ઓછામાં ઓછા 2 ઈમર્જન્સી એક્ઝિટ દરવાજા રાખવા ફરજિયાત છે.
બેઠક અને પેસેજ: ભક્તો માટે વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 ચો.મી. જગ્યા રાખવી પડશે તથા દર 10 સીટ અને 10 રો પછી 1.5 મીટર પહોળો પેસેજ રાખવો પડશે. બહાર નીકળવાનું અંતર 15 મીટરથી વધુ ન હોવું જોઈએ.
સાઈન બોર્ડ અને ઈમરજન્સી નંબર: "NO SMOKING ZONE", "EXIT" અને "EMERGENCY EXIT" સાઈન બોર્ડ લગાવવા પડશે. આ ઉપરાંત પંડાલમાં આયોજક, ફાયરના જાણકાર વ્યક્તિના નામ-નંબર અને પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓના નંબરોનું બોર્ડ ફરજિયાત પ્રદર્શિત કરવું પડશે.
હવન-પૂજા, ઈલેક્ટ્રિકલ સેફ્ટી અને સ્ટોલ પર સંપૂર્ણ મનાઈ
સ્ટોલ અને જ્વલનશીલ પદાર્થ: પંડાલની અંદર કોઈ પણ પ્રકારના સ્ટોલ બનાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. સ્ટેજ નીચે કે નજીક જ્વલનશીલ પદાર્થ, ફટાકડા, LPG સિલિન્ડર કે રાંધણ સામગ્રી રાખવાની મનાઈ છે.
હવન-પૂજા વ્યવસ્થા: હવનકુંડ, દીવા કે અગરબત્તી પાસે ફાયર સેફ્ટી સાધનો રાખવા પડશે અને ઉપરની છત પર ઓછામાં ઓછી 6 સેમીની C.I./G.I. શીટ લગાવવી પડશે. ભીડ નિયંત્રણ માટે માઈક-સ્પીકર (PA સિસ્ટમ) રાખવી ફરજિયાત છે.
વાયરિંગ અને AC નિયમ: તમામ વાયરિંગ IS-1646-1982 મુજબ સરકારી માન્યતા પ્રાપ્ત એન્જિનિયર પાસે પ્રમાણિત કરાવવું પડશે અને જોઈન્ટ પોર્સેલેઈન ઈન્સ્યુલેટેડ હોવા જોઈએ. AC પંડાલના પડદા અને કાર્પેટ પર 'ફાયર રિટાર્ડન્ટ પેઈન્ટ' લગાડેલો હોવો જરૂરી છે.
તાલીમબદ્ધ સ્ટાફ: ફાયર એક્સટિંગ્વિશર ચલાવવાની જાણકારી ધરાવતા 2 પ્રશિક્ષિત વ્યક્તિઓને 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પંડાલમાં હાજર રાખવા પડશે.
