Ahmedabad News: અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા નાગરિકો માટે એક અતિ મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. મેટ્રો સ્ટેશનો નજીક વાહન પાર્કિંગની સમસ્યા દૂર કરવા તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. હવે થલતેજ અને અખબારનગર સહિતના 8 મેઈન મેટ્રો સ્ટેશનો પાસે 9 પ્લોટમાં પાર્કિંગની સુવિધા શરુ કરવામાં આવશે.
પાર્કિંગમાં કેટલા વાહનો પાર્ક થઈ શકે?
નવા આયોજન પ્રમાણે, આ નવ પ્લોટ તૈયાર થવાથી 246 કાર અને 5,902 જેટલા પાર્કિંગની સુવિધા મળશે. આ સુવિધા માટે આગામી સપ્તાહે ટેન્ડર પ્રક્રિયા શરુ કરી દેવામાં આવશે. હાલની પાર્કિંગની સ્થિતિએ જોઈએ તો, અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 52 મેટ્રો સ્ટેશનોમાંથી માત્ર 17 સ્ટેશનો પાસે જ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. નવી સુવિધા શરુ થવાથી હજારો દૈનિક પ્રવાસીઓને રાહત મળશે.
મેટ્રો સ્ટેશનથી પાર્કિંગનું અંતર
અખબારનગરમાં પાર્કિંગ પ્લોટ મેટ્રો સ્ટેશનથી 450 મીટરથી દૂર રહેશે, વસ્ત્રાલની અર્પણ સ્કૂલ પાસે પાર્કિંગ મેટ્રો સ્ટેશન 500 મીટર દૂર રહેશે, અન્ય સાતેક જેટલા સ્થળો પર પાર્કિંગ પ્લોટ મેટ્રો સ્ટેશનની બિલકુલ નજીક જ ઉપલબ્ધ રહેશે. નવા પાર્કિંગ પ્લોટ શરૂ થવાથી મેટ્રો સ્ટેશન આસપાસ ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને પ્રવાસીઓ પોતાના વાહનો સુરક્ષિત રીતે પાર્ક કરીને સુગમ મુસાફરી કરી શકશે.
અમદાવાદ મેટ્રો પાર્કિંગ યોજના
| મેટ્રો સ્ટેશન | પ્લોટ સંખ્યા | પાર્કિંગનું અંતર | ટુ-વ્હીલર ક્ષમતા | ફોર-વ્હીલર ક્ષમતા |
| થલતેજ ગામ | 2 | સ્ટેશન નજીક | 2,389 | 99 |
| વસ્ત્રાલ ગામ | 1 | સ્ટેશન નજીક | 1,202 | 50 |
| એપેરલ પાર્ક | 1 | સ્ટેશન પાસે | 800 | 33 |
| નિરાંત ક્રોસ રોડ (અર્પણ સ્કૂલ નજીક) | 1 | 500 મીટર દૂર | 597 | 25 |
| નિરાંત ક્રોસ રોડ (રતનપુર ગામ) | 1 | સ્ટેશન નજીક | 448 | 19 |
| અખબારનગર | 1 | 450 મીટર દૂર | 237 | 10 |
| ગાંધીગ્રામ રેલવે સ્ટેશન નજીક | 1 | સ્ટેશન નજીક | 120 | 5 |
| સાબરમતી પોલીસ સ્ટેશન પાસે | 1 | સ્ટેશન નજીક | 110 | 5 |
| કુલ (8 સ્ટેશન) | 9 પ્લોટ | - | 5,903 | 246 |
