Ahmedabad Flower Show 2026: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાથી પીએમ મોદી અભિભૂત, ટ્વીટ કરી કહ્યું- બધાને મોહિત કરશે

તસવીરો પોસ્ટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છેકે, અમદાવાદનો ફ્લાવર શો કોઇને પણ મોહિત કરી લે તેવો છે. આ ક્રિએટિવિટીની સાથે-સાથે જન ભાગીદારીનું અદભૂત ઉદાહરણ છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 02 Jan 2026 06:05 PM (IST)Updated: Fri 02 Jan 2026 06:05 PM (IST)
ahmedabad-flower-show-2026-pm-highlights-innovation-sustainability-and-community-engagement-666856

PM Modi On Ahmedabad Flower Show 2026: અમદાવાદમાં 1 જાન્યુઆરીથી ફ્લાવર શો-2026નો પ્રારંભ થયો છે. આ ફ્લાવર શોની આગામી 22 જાન્યુઆરી સુધી મુલાકાત લઇ શકાશે. દર વખતની જેમ આ વખતે પણ ફ્લાવર શોમાં અનેકવિધ નવિન આકર્ષણો જોવા મળશે. ફ્લાવર શોને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમણે ફ્લાવર શોને મનમોહક ગણાવ્યો છે અને સુંદરતાના વખાણ કર્યા છે.

સોશિયલ મીડિયા ટ્વીટર(X) પર તસવીરો પોસ્ટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છેકે, અમદાવાદનો ફ્લાવર શો કોઇને પણ મોહિત કરી લે તેવો છે. આ ક્રિએટિવિટીની સાથે-સાથે જન ભાગીદારીનું અદભૂત ઉદાહરણ છે. તેનાથી શહેરની જીવંત ભાવના સાથે જ પ્રકૃતિ સાથેનો તેમનો લગાવ પણ સુંદર રીતે પ્રદર્શિત થઇ રહ્યો છે. કેવી રીતે ફ્લાવર શોની ભવ્યતા અને કલ્પનાશીલતા દર વર્ષે વધતી રહે છે તે જોવુ પણ ઉત્સાહ અને પ્રરેણાથી ભરેલું છે.

22 જાન્યુઆરી સુધી લઇ શકાશે ફ્લાવર શોની મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬'નો શુભારંભ કરાવ્યો હતો. 'ભારત એક ગાથા' થીમ પર આયોજિત આ 14મી આવૃત્તિમાં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવશાળી સંસ્કૃતિનું દર્શન કરાવવામાં આવ્યું છે, જેનો લાભ આગામી 22 જાન્યુઆરી સુધી મુલાકાતીઓ લઈ શકશે. આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026નાં મહત્ત્વનાં આકર્ષણો

અમદાવાદમાં યોજાનારો વિશ્વકક્ષાનો ફ્લાવર શૉ-2026 ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિની સુંદરતાનો અનોખો સંગમ રજૂ કરવા સજ્જ છે. આ વાર્ષિક મહોત્સવ માત્ર એક પ્રદર્શન ન રહેતા પર્યાવરણીય જાગૃતિ, સસ્ટેનેબિલિટી અને શહેરની જૈવવિવિધતાને મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. શૉમાં ભવ્ય પ્રવેશદ્વાર પર ફૂલોના સિંહો અને કમળના ફાઉન્ટેનથી માંડીને ભારતના વિવિધ ઉત્સવો, બાળકો માટેના વિશેષ ઝોન, 'શાશ્વત ભારત' ઝોનમાં પૌરાણિક કથાઓ અને શાસ્ત્રીય-લોકનૃત્ય પરંપરાઓને પ્રદર્શિત કરતા વિશિષ્ટ ઝોન તૈયાર કરાયા છે.

'ભારતની સિદ્ધિઓ' ઝોન દેશની આધુનિક પ્રગતિ જેવી કે હાઈ-સ્પીડ રેલ અને અંતરિક્ષ ટેકનોલોજીને ઉજાગર કરશે. મુખ્ય આકર્ષણ તરીકે રાષ્ટ્રીય એકતા ઝોનમાં ૩૦ મીટરનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે પ્રસ્તુત કરાશે, જે મુલાકાતીઓને અનોખો અનુભવ પૂરો પાડશે. આ ઉપરાંત, AMC દ્વારા પર્યાવરણને અનુકૂળ સ્પ્રિન્કલિંગ ઇરિગેશન સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે.

મુલાકાતીઓની સુગમતા માટે ચાર ખાસ પ્રવેશદ્વાર

  • ગેટ નંબર 1 – ફ્લાવર પાર્ક, એલિસબ્રિજ પાસે, રિવરફ્રન્ટ વેસ્ટ
  • મલ્ટિલેવલ કાર પાર્કિંગ ફૂટ ઓવર બ્રિજ ઉપરથી
  • ગેટ નંબર 4 – ઇવેન્ટ સેન્ટર, રિવરફ્રન્ટ વેસ્ટ
  • પૂર્વ પ્રવેશ, અટલ બ્રિજનો પૂર્વ છેડો, રિવરફ્રન્ટ પૂર્વ

ટિકિટના દર તથા સમય

મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર પ્રવેશ દર રૂ. 80 તથા શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પ્રવેશ દર રૂ. 100 રહેશે. વધુમાં, તમામ પ્રકારના દિવ્યાંગો, સૈનિકો, 12 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરનાં બાળકો તથા અ.મ્યુ.કો. હસ્તકની શાળાનાં વિદ્યાર્થીઓ માટે તમામ દિવસોએ નિ:શુલ્ક પ્રવેશ રહેશે. અ.મ્યુ.કો. સિવાયની શાળાઓનાં બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે 9થી 1 સુધી પ્રવેશ દર રૂ. 10 રહેશે. વધુમાં, મુલાકાતીઓ માટે સવારે 8 થી 9 તેમજ રાત્રે 10થી11 સુધી પ્રાઈમ ટાઈમ સ્લોટમાં રૂ. 500 પ્રવેશ દર રહેશે.