Ahmedabad Flower Show: અમદાવાદમાં 1 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન યોજાનારા ફ્લાવર શોની તૈયારીઓ તેના અંતિમ ચરણમાં છે. પરંતુ આ વખતે આયોજનનું આર્થિક અને બજેટનું પાસું ખાસ ચર્ચામાં છે, ગત વર્ષની સરખામણીમાં આ વખતે સ્કલ્પચરની સંખ્યામાં ઘટાડો કરીને લગભગ 60 કરી દેવામાં આવ્યો છે, તેમ છતાં અંદાજિત ખર્ચ 21 કરોડથી વધીને રુ. 25 કરોડ પર પહોંચ્ચો છે. આમ, પ્રતિકૃતિઓ ઓછી હોવા છતાં કુલ ખર્ચમાં રુ.4 કરોડનો વધારો થવાનું અનુમાન છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનને આ આયોજન સામે રુ. 14 કરોડથી રુ.15 કરોડ સુધીની આવક થવાની ધારણા છે. ખર્ચને સરભર કરવા અને આયોજનને ટેકો આપવા માટે 6 ઝોનમાં વિવિધ જાણીતી કંપનીઓ પાસેથી સીએસઆર ફંડ હેઠળ ભંડોળ મેળવી મદદ લેવામાં આવશે.
આ પણ વાંચો
શોમાં જોવા મળશે વિશેષ પ્રતિકૃતિ
આ વખતના ફ્લાવર શોમાં વ્હેલ માછલી, ઓક્ટોપસ, હેરિટેજ ગેટ, ગાંધીજી, મીઠાનો સત્યાગ્રહ સહિનતી વિશાળ સ્કલ્પચર રાખવામાં આવશે, તેની સાથે સાથે અમદાવાદ અને આસપાસના વાતાવરણમાં ઊગી ન શકતા વિદેશી ફૂલોને ખાસ દર્શાવવા માટે બેંગ્લુરુ અને પૂણેની નર્સરીઓને કામ સોંપાયું છે અને ફૂલો મંગાવવાની વ્યવસ્થા વિચારાઈ છે. આ ઉપરાંત, આ વખતે 30 મીટર લાંબુ વ્હેલ માછલીનું સ્કલ્પચર બનાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવાનો દાવો કરવામાં આવશે.
ટિકિટના નવા દર અને અટલબ્રિજની સુવિધા
રિક્રિએશન કમિટી દ્વારા ફ્લાવર શોના પ્રવેશ શુલ્કને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ગયા વર્ષ કરતાં રૂ. 20નો વધારો કરાયો છે. મુલાકાતીઓ માટે નિર્ધારિત ટિકિટના દર અને સુવિધાઓની વિગતો નીચે મુજબ છે:
- સોમવારથી શુક્રવાર: પ્રવેશ ચાર્જ રૂ. 100 નક્કી કરાયો છે.
- શનિવાર અને રવિવાર: વીકએન્ડ માટે પ્રવેશ ચાર્જ રૂ. 120 રહેશે.
- વધારાની સુવિધા: આ ટિકિટ સાથે મુલાકાતીઓ અટલબ્રિજ પણ જોઈ શકશે.
-1795664352954_m.webp)