Ahmedabad Fire News: બાપુનગરની ભીડભંજન માર્કેટમાં ભીષણ આગ, 14 દુકાનો બળીને ખાખ, દિવાળી ટાણે વેપારીઓને લાખોનું નુકસાન

વહેલી સવારે એક દુકાનમાં લાગેલી આ આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસની 14 જેટલી દુકાનોને પોતાની લપેટમાં લઈ લીધી હતી.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 17 Oct 2025 11:17 AM (IST)Updated: Fri, 17 Oct 2025 11:17 AM (IST)
ahmedabad-fire-breaks-out-in-14-shops-at-bapunagar-market-goods-worth-lakhs-destroyed-no-casualties
HIGHLIGHTS
  • આ દુકાનોમાં કપડાં અને ચંપલ સહિતનો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.
  • 8 જેટલી ફાયર ગાડીઓ અને અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

Ahmedabad Fire News: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી બજારમાં આજે વહેલી સવારે આગ લાગવાની એક મોટી ઘટના બની હતી. વહેલી સવારે એક દુકાનમાં લાગેલી આ આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસની 14 જેટલી દુકાનોને પોતાની લપેટમાં લઈ લીધી હતી. આ દુકાનોમાં કપડાં અને ચંપલ સહિતનો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ફાયરબ્રિગેડ પાસેથી મળેલી માહિતી મુજબ, આજે વહેલી સવારે લગભગ 5 વાગ્યે કન્ટ્રોલ રૂમને બાપુનગર ચાર રસ્તા તરફની ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી દુકાનોમાં આગ લાગવાનો મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાની સાથે જ ગોમતીપુર ફાયર સ્ટેશન સહિત જુદા જુદા ફાયર સ્ટેશનની 8 જેટલી ફાયર ગાડીઓ અને અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ત્યાં સુધીમાં પાંચથી સાત દુકાનોમાં આગ પ્રસરી ચૂકી હતી. આ માર્કેટમાં મોટાભાગની દુકાનો કપડાં, ચંપલ અને અન્ય ઘરવખરીની ચીજવસ્તુઓની હતી. દિવાળીના તહેવારને પગલે તમામ દુકાનોમાં માલનો મોટો જથ્થો ભરેલો હતો, જેના કારણે આગ અત્યંત ઝડપથી ફેલાઈ હતી અને એક બાદ એક એમ કુલ 14 જેટલી દુકાનોને અસર થઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ, આમાંથી ૧૨ દુકાનો સંપૂર્ણપણે બળી ગઈ હતી, જ્યારે અન્ય બે દુકાનોમાં અડધી આગ લાગી હતી.

ડિવિઝનલ ફાયર ઓફિસર રમેશ ગીરીએ જણાવ્યું હતું કે, "ફાયરની ટીમ પહોંચી ત્યારે આગ ભીષણ હતી. દુકાનોમાં આગળના ભાગેથી જ પ્રવેશ શક્ય હતો અને પાછળના દરવાજા પાસે પણ સામાન ભરેલો હતો, જેના કારણે અંદર જવું મુશ્કેલ હતું." ભારે જહેમત બાદ, ફાયરબ્રિગેડની ટીમે એક તરફનો ભાગ તોડીને તેમજ ધાબા ઉપરથી પાણીનો મારો ચલાવીને લગભગ એક કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. જો કે, આગનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.

બાપુનગરનું ભીડભંજન બજાર પૂર્વ વિસ્તારમાં ખરીદી માટેના સૌથી મોટા બજારો પૈકી એક ગણાય છે. દિવાળીના તહેવારની ખરીદીની મોસમ પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે આ આગ લાગતા વેપારીઓને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું છે. જો કે, વહેલી સવારનો સમય હોવાથી બજારમાં લોકોની અવરજવર નહોતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી, અન્યથા સાંજના સમયે આ ઘટના બની હોત તો મોટી દોડધામ અને જાનહાનિની શક્યતા રહેતી.