Ahmedabad Fake Currency Racket Busted: અમદાવાદના સોલા રોડ પર આવેલા પારસનગર પેટ્રોલ પંપ પાસેથી ઘાટલોડિયા પોલીસે ડમી ટ્રેપ ગોઠવી ₹8.33 લાખની કિંમતની નકલી નોટો સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ અગાઉ ઊંઝાના વેપારીને આંગડિયા પેઢી મારફતે નકલી નોટો પધરાવી 40 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉંઝાના વેપારી સાથે આંગડિયા મારફતે ₹40 લાખની ઠગાઈ
આ પણ વાંચો
આ કેસની વિગત અનુસાર, ઊંઝામાં જીરું અને વરિયાળીનો વેપાર કરતી બીબી ટ્રેડર્સ પેઢીના માલિક રોહિતકુમાર પટેલે 17 નવેમ્બરના રોજ નાગપુરથી આંગડિયા પેઢી મારફતે ₹40 લાખ મેળવવાના હતા. આંગડિયા મારફતે 2 શખ્સોએ તેમને બેંક જેવી પેપર બેન્ડ્સમાં વીંટાળેલા નોટોના બંડલ આપ્યા હતા.
જોકે, થેલો ખોલતા જ તમામ નોટો નકલી માલૂમ પડી અને તેના પર “Children Bank of India” લખેલું હતું, જ્યારે નાગપુરમાં આ રકમ અગાઉથી ચૂકવી દેવાઈ હતી. છેતરપિંડીનો ભોગ બન્યા બાદ રોહિતકુમાર પટેલે પોલીસનો સંપર્ક કર્યો અને શંકાસ્પદ લોકોને પકડવા માટે ડમી ટ્રેપ ગોઠવવામાં મદદ કરી હતી.
ઘાટલોડિયા પોલીસે ડમી ટ્રેપ ગોઠવી, 2 આરોપીની ધરપકડ
રોહિત પટેલે તેમના પિતા નરેન્દ્રભાઈ પટેલના નામે અમદાવાદમાં એક નકલી રોકડ ડિલિવરી ગોઠવવામાં આવી હતી. 19 નવેમ્બરના રોજ આરોપીઓએ ફરિયાદીનો વોટ્સએપ પર સંપર્ક કરીને તેઓ પેમેન્ટ લેવા આવી પહોંચ્યા હોવાની પુષ્ટિ કરી હતી. PSI એચ. ડી. જોશીના નેતૃત્વ હેઠળ ઘાટલોડિયા પોલીસે સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસે ટ્રેપ ગોઠવીને નકલી નોટો સાથે આવી પહોંચેલા 2 શખ્સોને ઝડપી લીધા હતા.
- 23 વર્ષીય રાહુલ સિંહ ઠાકુર (દિલ્હીના રહેવાસી)
- 30 વર્ષીય માલચંદ શર્મા (બિકાનેર, રાજસ્થાન)
પોલીસે તેમની પાસેથી 500 રૂપિયાની 1,666 નકલી નોટો ધરાવતા 17 બંડલો જપ્ત કર્યા હતા, જેમાં પ્રત્યેક બંડલમાં 98 નોટ હતી અને જેની કુલ કિંમત ₹8.33 લાખ થાય છે. આ બંડલ બોગસ ICICI Bank ના લેબલ અને સ્ટેમ્પવાળા પીળા કાગળમાં વીંટાળેલા હતા અને નોટો પર “Bharatiya Manoranjan Bank – Paanch Sau Coupon” તથા “Children Bank of India” લખેલું હતું.
પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો, નેટવર્ક અંગે પોલીસ તપાસ
પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે નકલી નોટો પહોંચાડવા માટે તેમને રેલવે ભાડા ઉપરાંત પ્રત્યેકને ₹5,000 આપવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસને નોઈડાના ગજાનંદ શર્મા તેમજ ધનરાજ અને વરુણ નામના શખ્સો પણ આ રેકેટમાં સામેલ હોવાની શંકા છે.
માહિતીના આધારે ઘાટલોડીયા પોલીસે કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસ હાલ આ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. જેથી માસ્ટર માઈન્ડનની ઓળખ કરી શકાય અને અન્ય કોઈ વેપારીઓ સાથે આ જ રીતે છેતરપિંડી થઈ છે કે કેમ તે જાણી શકાય.
