Ahmedabad Crime News: સરખેજ વિસ્તારમાં લીવઈન સંબંધમાં રહેતી મહિલાના પૂર્વ પતિએ મંગળવારે મોડી રાત્રે તેના પ્રેમી પર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી અને ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. સરખેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાઈ જતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે મહિલાએ લગભગ સાત મહિના પહેલા પતિને છોડીને પ્રેમી સાથે રહેવાનું શરૂ કર્યું હતું.
સરખેજના ઇન્દિરાનગર વિસ્તારમાં ફાતીમા (નામ બદલેલું છે) સનાભાઈના મકાનમાં સરફરાજ સાથે લીવઇન સંબંધમાં રહેતી હતી. પતિ ઝાકીર મેમણ સાથે અવારનવાર થતાં ઝઘડાઓના કારણે ફાતીમાએ સાત મહિના પહેલા તેના પતિને છૂટાછેડા આપ્યા વિના બાળકોથી સાથે છોડી દીધો હતો અને પછીથી સરફરાજ સાથે રહેવા લાગી હતી.
આ પછી સરફરાજ અને ફાતિમા બન્ને સાથે રહેવા લાગ્યા હતા. ગયા મંગળવારે મોડી રાત્રે ફાતિમાના પૂર્વ પતિ ઝાકીર તેના ઘરે પહોંચ્યો હતો અને બૂમાબૂમ કરી જોરથી દરવાજો ખખડાવતો હતો. ફાતીમા ઊંઘમાંથી જાગી અને જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે ઝાકીર હાથમાં છરી લઈને આવી ગયો હતો અને ગાળો બોલતો હતો.
સરફરાજ પણ ઉંઘમાંથી જાગી ગયો ત્યારે ઝાકીરે તેના છાતી પર છરીથી હુમલો કર્યો હતો. ફાતીમાએ બૂમાબૂમ કરતાં આરોપી ઝાકીર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પાડોશીઓએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ સરફરાજનું મૃત્યુ થઈ ગયું હતું. આ મામલે મૃતકના સંબંધીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઝાકીર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
