Ahmedabad ED Raid: ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ ફ્રોડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ કુલ 58.42 કરોડના કેસના મુખ્ય આરોપી અનંત નવરતન જૈન ઉર્ફે સોન્ટુ જૈન અને તેના સહયોગીઓ સાથે જોડાયેલા અમદાવાદ, નાગપુર અને ગોંદિયાના 12 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સમગ્ર કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ કરવામાં આવી છે. સમગ્ર મામલાની શરુઆત આરોપી સામે નાગપુર સિટી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદથી હતી.
ગેમિંગ એપ દ્વારા 58 કરોડથી વધુની ઠગાઈ
નાગપુર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ઈડીએ તપાસ શરુ કરી હતી. તપાસ એજન્સીની તપાસમાં સામે આવ્યું કે, સોન્ટુ જૈન ટૂંકા સમયમાં ઊંચા વળતરની લાલચ આપીને ફરિયાદી પાસેથી કરોડો રુપિયાનું રોકાણ કરાવ્યું હતું. ફરિયાદીને ગેરકાયદેસર અને ફેક બેટિંગ એપ્સની લિંક આપવામાં આવી હતી. આ ગેમિગ પ્લેટફોર્મ્સ પર એવી રીતે ટેક્નિકલ છેડછાડ કરવામાં આવતી હતી કે, જ્યારે પણ યુઝર જીતવાની સ્થિતિમાં આવે ત્યારે એપમાં ટેક્નિકલ ખામી આવી જતી હતી. આ રીતે ફરિયાદી પાસેથી અંદાજે રુ.58.42 કરોડની ઠગાઈ આચરવામાં આવી હતી.
હવાલા નેટવર્ક અને મ્યુલ ખાતાઓનો ઉપયોગ
ઈડીની તપાસમાં સામે આવ્યું કે, છેતરપિંડીથી ભેગી કરવામાં આવેલી રકમ ગુપ્ત રીતે વિવિધ માધ્યમો દ્વારા એકઠી કરવામાં આવતી હતી. ફરિયાદીને નક્કી કરેલા કુરિયર્સ દ્વારા રોકડમાં ચૂકવણી કરાતી હતી. ઉપરાંત ઓળખ અને સમાધાન કરવામાટે હવાલા શૈલીની ટોકન કરન્સીની નોટોનો ઉપયોગ કરાતો હતો. તેમજ સોન્ટુ જૈન દ્વારા અન્ય લોકોના નામે ખોલેલા મ્યુલ એકાઉન્ટ્સમાં કરોડો રુપિયાનું ટ્રાન્સફર કરવાની સૂચના અપાતી હતી. ઈડીએ મ્યુલ ખાતાની તપાસ કરતાં કરોડો રુપિયાના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે.
ઈડીએ કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ રુપિયા કાં તો રોકડમાં ઉપાડી લેવાયા હતા. અથવા બોગસ ઈમ્પોર્ટ પેમેન્ટ બતાવીને વિદેશમાં મોકલી દેવાયા હતા. ઈડીની તપાસમાં, કુલ 30 લાખની રોકડ રકમ જપ્ત કરી હતી. 100 બેન્ક એકાઉન્ટમાં જમા 5 કરોડથી વધુની રકમ, મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને શેરને ફ્રીઝ કરી દેવાયા છે. તેમજ બે બેન્ક લોકર ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આશરે 1.70 કરોડની કિમતના કુલ 3 લક્ઝરી વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા.
11 મોબાઈલ અને એક લેપટોપ જપ્ત
ગેરકાયદેસર ગેમિંગ કામગીરી અને નાણાકીય વ્યવહારો સંબંધિત ડિજિટલ પુરાવાઓ ધરાવતા 11 મોબાઈલ અને એક લેપટોપ જપ્ત કરાયું છે. ઉપરાંત આશરે રુ.16.50 કરોડની કિંમતની અચલ મિલકતો સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન EDને મોટા પ્રમાણમાં ડિજિટલ અને નાણાકીય પુરાવા મળ્યા છે, જેનાથી ગેરકાયદેસર મની લોન્ડરિંગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં મદદ મળશે.
