Ahmedabad-Dholera Greenfield Expressway: ભારતમાલા પરિયોજના હેઠળ રૂપિયા 5,800 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલ 109 કિલોમીટર લાંબો અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે મુસાફરો માટે પ્રાયોગિક ધોરણે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ નવો એક્સપ્રેસ-વે આર્થિક તકો વધારવાની સાથે પરિવારોને જોડતી જીવાદોરી સમાન બની ચૂક્યો છે.
અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે
અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે ભારતમાલા પરિયોજના હેઠળ રૂપિયા 5,800 કરોડના જંગી ખર્ચે તૈયાર થયો છે. કુલ 109 કિલોમીટર લાંબો અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે હાલમાં અંતિમ ઓપરેશનલ સજ્જતા ચકાસવા અને જનતાને અત્યાધુનિક માળખાનો અનુભવ કરાવવા માટે પરીક્ષણના ભાગરૂપે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
સમયની બચત, માત્ર 45 મિનિટમાં ધોલેરા
રૂપિયા 5,800 કરોડના ખર્ચે નિર્મિત અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે શરૂ થતા જ મુસાફરોના સમયમાં નોંધપાત્ર બચત થશે. અગાઉ અમદાવાદથી ધોલેરા પહોંચતાં 2 કલાકથી વધુનો સમય લાગતો હતો, તેની જગ્યાએ હવે આ અંતર માત્ર 45 મિનિટ કપાઈ જશે. આ ઉપરાંત, અમદાવાદથી ભાવનગર પણ માત્ર પોણા બે કલાકમાં પહોંચી શકાશે.
The 109 km long Ahmedabad–Dholera Expressway is reshaping connectivity in #Gujarat. Connecting Sarkhej to Adhelai via Dholera Special Investment Region, this high-speed corridor cuts travel time to under 45 minutes while offering world-class infrastructure—flyovers, interchanges,… pic.twitter.com/GwqI6iOdjp
— NHAI (@NHAI_Official) December 1, 2025
8 લેન સુધી વિસ્તરણ ક્ષમતા
મુસાફરોની સુવિધા માટે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે પર 11 ઇન્ટરચેન્જ, 14 ફ્લાયઓવર, 86 અન્ડરપાસ અને આધુનિક વે-સાઈડ સુવિધા ઊભી કરવામાં આવી છે. સાથે જ આ હાઈવે સીધો ધોલેરા સ્માર્ટ સિટી અને એરપોર્ટ સાથે જોડાણ ધરાવે છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે માટે 8 લેન સુધી વિસ્તરણની ક્ષમતા રાખવામાં આવી છે.
નિર્માણ કાર્યમાં પર્યાવરણ સુરક્ષાને પ્રાધાન્ય
આ પ્રોજેક્ટ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રસ્તાના પાળા બનાવવા માટે મહાનગરપાલિકાના 60 લાખ મેટ્રિક ટન કચરાનો અને 22 લાખ મેટ્રિક ટન ઔદ્યોગિક ફ્લાય એશનો પુનઃઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી પ્રોજેક્ટની કાર્બન અસર ઘટાડવામાં મોટી સફળતા મળી છે.
આ પણ વાંચો: નદી-તળાવોમાં પ્રથમવાર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અમલમાં મૂકાશે, થશે વાર્ષિક રૂ. 3600 કરોડની બચત
આટલું જ નહીં, હાઇવેને હરિયાળો બનાવવા માટે તેની બંને બાજુ અને મધ્યમાં 4.26 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ આ એક્સપ્રેસ-વે સંપૂર્ણપણે કાર્યરત થતા ગુજરાતના માળખાગત વિકાસ અને કનેક્ટિવિટી ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે.
સમય અને ઇંધણમાં નોંધપાત્ર બચત થશે
આ નવા એક્સપ્રેસ-વે દ્વારા મુસાફરોને પ્રતિ ટ્રિપ આશરે 20% થી 30% જેટલા ઇંધણ ખર્ચની બચત શક્ય બનશે. ઓછા અંતર અને સતત ગતિ જાળવી રાખવાની ક્ષમતાને કારણે વાહનોના ઇંધણના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે. આર્થિક નિષ્ણાતોના મતે, આ બચત વારંવાર મુસાફરી કરનાર અને લોજિસ્ટિક્સ કંપનીઓ માટે મોટી રાહતરૂપ બનશે. આ સાથે, મુસાફરીનો સમય ઘટવાથી શારીરિક શ્રમ અને માનસિક તાણમાંથી પણ મોટી મુક્તિ મળશે.
