ઢાલગરવાડમાં અસામાજિક તત્વોનો આતંકઃ દુકાનમાં ઘુસીને કાકા-ભત્રીજા પર હુમલાના વિરોધમાં વેપારીઓ એકજૂટ; આજે કાપડ બજાર સજ્જડ બંધ

અમદાવાદના ઢાલગરવાડમાં કાકા-ભત્રીજા પર દુકાનમાં ઘૂસીને હુમલો થતાં વેપારીઓએ વિરોધમાં કાપડ બજાર બંધ રાખ્યું. આ ઘટના વાહન સાઈડમાં લેવા બાબતે થયેલી માથાકૂટ બાદ બની હતી, જેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 25 Sep 2026 05:03 PM (IST)Updated: Fri, 25 Sep 2026 05:03 PM (IST)
ahmedabad-dhalgarwad-market-closed-after-violent-attack-on-shopkeepers

Ahmedabad Dhalgarwad Market: શહેરના ઢાલગરવાડ વિસ્તારમાં ગઈકાલે તોફાની ટોળાએ દુકાનમાં ઘૂસીને કાકા-ભત્રીજા પર હીચકારો હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો હતો.

જેના વિરોધમાં ઢાલગરવાડ કાપડ બજારના વેપારીઓ એકજૂટ થયા છે. વેપારી પર થયેલા હુમલાના વિરોધમાં આજે ઢાલગરવાડ કાપડ બજારમાં સ્વયંભુ બંધ પાળવામાં આવ્યો છે. જેને પગલે આજે ઢાલગરવાડની ગલીઓ સૂમસામ ભાસતી હતી.

વાહન સાઈડમાં લેવા બાબતે થયેલી માથાકૂટમાં તોફાની ટોળાનો આતંક

હકીકતમાં ગઈકાલે પાનકોર નાકા નજીક ટ્રાફિક હતો, ત્યારે અમાન મન્સૂરીને વાહન સાઈડમાં લેવા મામલે અન્ય એક ટૂ-વ્હીલર ચાલક સાથે માથાકૂટ થઈ હતી.

જે બાદ સાંજે અમાન તેના કાકા મહંમદ અમીન મન્સૂરી સાથે તેમની 'આલિયા ફેશન' નામની દુકાનમાં હાજર હતો, ત્યારે સવારની માથાકૂટનો ખાર રાખીને સાતેક જેટલા શખ્સોનું ટોળું હથિયારો સાથે દુકાનમાં ઘૂસી ગયું હતુ અને તોડફોડ કરીને કાકા-ભત્રીજા પર તૂટી પડ્યા હતા. આ સમયે વેપારીને બચાવવા વચ્ચે પડેલા તેમના મિત્ર ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે મહંમદ અમીન મન્સુરીએ ઈરફાન ઘાંચી, રિયાઝ શેખ, ઈકબાલ શેખ સહિત 7 ઈસમો વિરુદ્ધ કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મોડી રાતે વેપારીઓ એકજૂટ થયા અને બજાર બંધનું એલાન

આ ઘટના બાદ મોડી રાતે ઢાલગરવાડમાં વેપારીઓ એકજૂટ થયા હતા. જ્યા દુકાનમાં ઘુસીને કાકા-ભત્રીજા પર હુમલાની નિંદા કરવામાં આવી હતી. તેમજ હુમલાના વિરોધ સ્વરૂપે સર્વાનુમતે આજે ઢાલગરવાડ બજાર બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતુ. જેના પગલે આજે સવારથી ઢાલગરવાડની 1 હજારથી દુકાનો બંધ રાખવામાં આવી હતી.